ભરૂચ: છેલ્લા 250 વર્ષથી ભરૂચમાં મેઘરાજા અને છડી નામનો ઐતિહાસિક મેળો યોજાઇ છે. જો કે, આ વર્ષે કોરોના મહામારીએ કહેર મચાવ્યો છે. જેના પગલે વહિવટી તંત્રએ ધાર્મિક મેળાઓ તેમજ ઉત્સવો પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
શહેરમાં ભરાતા ભાતીગળ મેઘરાજાના મેળા અને છડી ઉત્સવ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભરૂચના કલેક્ટર ડો. એમ.ડી. મોડિયાએ શુક્રવારના રોજ જાહેરનામુ બહાર પાડી જન્માષ્ટમી, છડી નોમ, મેઘરાજા ઉત્સવ નિમિત્તે યોજાતો મેળો-વરઘોડો, ગણેશોત્સવ તેમજ વિસર્જન સહિત પર્યુષણ પર્વ તેમજ સંવતસરી જેવા ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
સોસાયટી, મહોલ્લા કે કોમન પ્લોટ સહિતના જાહેર સ્થળો પર મંડપ કે પંડાલ નહીં બાંધવા સાથે સામુહિક ઉજવણી નહીં કરવા જણાવાયું છે. વ્યક્તિગત રીતે ઘરમાં થયેલી સ્થાપનાને કોઇ બંધન અપાયું નથી. લોકોને એકત્ર થવા પર રોક લગાવાઇ છે. વિસર્જનમાં નદી, તળાવ કે કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ રખાયો છે. ઘરઆંગણે મૂર્તીનું વિસર્જન કરવા જણાવાયું છે. તંત્રના આદેશનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.