ભરૂચઃ અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક જીઆઈડીસીના ફાઈનલ પમ્પિંગ સ્ટેશન પાછળથી પ્રદૂષિત પાણી આમલખાડીમાં ઠલવાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રદૂષિત પાણીના કારણે ભૂગર્ભ જળ પણ દૂષિત થઈ રહ્યું છે. પર્યાવરણ પ્રેમીઓએ આક્ષેપ કરતા કહ્યું કે, અંકલેશ્વરના બેજવાબદાર ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણી ટ્રિટમેન્ટ કર્યા વગર ખુલ્લેઆમ છોડી દેવામાં આવે છે. તાજેતરમાં જ અંકલેશ્વરની અમરાવતી નદીમાં પ્રદૂષિત પાણીના કારણે અસંખ્ય માછલાઓના મોત થયા હતા. આ ઘટના હજુ માનસપટ પરથી ભૂંસાય તે પૂર્વે જ અંકલેશ્વરની આમલાખાડીમાં દૂષિત પાણી મોટા પ્રમાણમાં છોડી દેવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને ટ્રિટમેન્ટ કરી પાઈપલાઈન થકી દરિયા સુધી છોડવામાં આવે છે, પરંતુ ક્યારેક વરસાદી માહોલમાં પ્રદૂષિત પાણી આમલાખાડીમાં અવારનવાર છોડી દેવામાં આવે છે, જેને પગલે આ ખાડીમાં જળચર પ્રાણીઓ મૃત્યુ પામે છે.
અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે જીઆઈડીસીના ફાઈનલ પમ્પિંગ સ્ટેશન પાછળથી પ્રદૂષિત પાણી આમલખાડીમાં છોડવામાં આવી રહ્યું હોવાનું નજરે પડ્યું હતું. આ અંગે પર્યાવરણપ્રેમી સલીમ પટેલે જણાવ્યું કે, અવારનવાર આ રીતે બેદરકારીપૂર્વક પ્રદૂષિત પાણી છોડી મૂકવામાં આવે છે અને તેની આસપાસના વિસ્તારોએ ભોગવવાનો વારો આવે છે. હાલમાં આસપાસના વિસ્તારના ભૂગર્ભ જળ પણ દૂષિત બન્યા છે અને અનેક ગામોમાં નળમાંથી પણ અલગ અલગ કલરનું પાણી નીકળે છે. આ અંગે ઘણી વાર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ માત્ર સેમ્પલ લેવામાં આવે છે. પરિણામ કંઈ આવતું નથી.