ઓનલાઈન બિઝનેસ અને ડીલિંગના નામે લોકોને ચૂનો ચોપડવાના અનેક કિસ્સાઓ બાદ હવે ઠગ ટોળકીઓએ મિત્રતા કેળવી લોકોને રાતે પાણીએ રડાવવાનો વેપાર શરુ કર્યો હોવાની હકીકત સામે આવી છે.
આ કિસ્સામાં ભરૂચના નિવૃત્ત BSF જવાન સાથે જોઈન્ટ ઈન્વેસ્ટમેન્ટના નામે 1.90 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. જેથી ફરીયાદના આધારે ભરૂચ પોલીસે દિલ્લીથી એક ભેજાબાજની ધરપકડ કરવામાં સફળતા હાંસલ કરી છે. દિલ્હીના સજ્જાદ શેખ નામના વ્યક્તિએ ભોગ બનનાર દ્વારા મોકલાયેલા રૂપિયા ઉપાડતા પોલીસે તેને ટ્રેસ કરી ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વરના ભડકોદ્રા ગામના રહીશ અને BSFના નિવૃત્ત જવાન દિલબાગસિંગના ફેસબુક એકાઉન્ટ ઉપર થોડા સમય અગાઉ જોન રોઝ નામની મહિલાની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. આ રીકવેસ્ટના એક્સેપટ કરતા મહિલાએ વાતચીત શરુ કરી ગાઢ મિત્રતા બાંધી હતી. થોડો સમય વાતચીત બાદ મહિલાએ ભારતમાં 25 થી 30 કરોડ રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પોતે વિદેશી હોવાથી દિલબાગસિંગના નામે રોકાણ કરી નફામાં ભાગીદારી કરવાની લાલચ આપી હતી.
મૂળ યુકેની હોવાનો દાવો કરતી મહિલાએ તેના પતિ મેથ્ય ને ભારત મોકલવાનું નક્કી કર્યું હતુ, પરંતુ મુંબઈ એરપોર્ટ ઉપર ઉતર્યા બાદ મોટી રકમ પાસે હોવાના કારણે જોનના પતિ મેથ્યુસને ડિટેઇન કરવામાં આવ્યા હોવાનો કોલ આવે છે. જે ડ્યુટીના અને બાદમાં કરન્સી એક્સચેન્જના નામે કુલ 1.90 લાખ દિલબાગસિંગ પાસે મંગાવે છે અને બાદમાં વિદેશી મહિલા અને કોલ કરનાર બંને સંપર્ક વિહોણા બની જતા છેતરાયા હોવાનો અહેસાસ જતા દિલબાગસિંગે પોલીસને ફરિયાદ કરી હતી.
આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ આ કેસ સાઈબર સેલને સોંપવામાં આવતા તાપસ દરમિયાન જોન અને મેથ્યુ રોઝે કાલ્પનિક વ્યક્તિ હોવાનું બહાર આવ્યું હતુ. આ પૂરા ખેલ પાછળ ઠગ ટોળકીનું સુવ્યવસ્થિત કાવતરું હોવાનું બાહર આવ્યું હતું.
ફ્રોડમાં લોકો પુરુષો ઉપર વિશ્વાસ ઓછો મુકતા હોવાથી મહિલાઓ પાસે વાતચીત કરાવી વિશ્વાસ સંપાદિત કરી પૈસા પડાવવામાં આવતા હતા. પોલીસે બેંકમાં નાખવામાં આવેલ પૈસા ઉપાડનાર દિલ્લીના સજ્જાદ શેખ નામના વ્યક્તિને ઝડપી પાડી અંકલેશ્વર GIDC પોલીસને સોંપવામાં આવ્યો છે. જેની પૂછપરછના આધારે ટોળકીના અન્ય સાગરીતો સુધી પહોંચવા પોલીસ પ્રયાસ કરી રહી છે.