ભરૂચઃ શહેર પોલીસે ગોલ્ડન બ્રિજ નજીકથી ચાર લક્ઝ્યુરીયસ કારમાં લઇ જવાતો રૂપિયા ૧૦ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી વડોદરાના કુખ્યાત બુટલેગર ઝુબેર મેમણની ધરપકડ કરી હતી. જે બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ ક્રાઈમ બ્રાન્ચના સુત્રોને બાતમી મળી હતી કે, ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીકથી મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી થનારી છે. જેના આધારે પોલીસે ગોલ્ડન બ્રિજ નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મળતા ચાર જેટલી લક્ઝ્યુરીયસ કાર આવતા તેને અટકાવી પોલીસે તલાશી લીધી હતી, ત્યારે અંદરથી વિવિધ બ્રાન્ડનો રૂપિયા ૧૦.૯૪ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે આ મામલે વડોદરાના કુખ્યાત બુટલેગર ઝુબેર મેમણ સહિત કુલ સાત આરોપીઓની ધરપડક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝુબેર મેમણ દારૂનો આ જથ્થો દમણના ઉમેશ મોદી પાસે લાવ્યો હતો અને વડોદરાના લાલુ સિંધીને પહોચાડવાનો હતો. ઝુબેર મેમણ તેની કારમાં પાયલોટીંગ કરી વિદેશી દારૂની ફેરાફેરી કરી રહ્યો હતો. પોલીસને શંકા ન જાય એ માટે ફોર્ચ્યુનર કમ્પાસ જીપ સહિતની વૈભવી કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે કુલ ૬૭.૮૨ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.