બનાસકાંઠાઃ કોરોનાને લઈને સમગ્ર દેશમાં વધુ 19 દિવસનું લોકડાઉન જારી કરવામાં આવ્યું છે, ત્યારે આ લોકડાઉન સમયે ગામમાં કોઈ પ્રવેશ કરે નહીં એ માટે ડીસા તાલુકાના માલગઢ ગામે 10 યુવાનોની કમિટિ બનાવવામાં આવી છે. જેમાં ગામમાં વાહન ચેકીંગ માટે ચોકી ઉભી કરાઈ છે, સાથે જ ગામમાં કોઈ ટોળું ભેગું ન થાય તે માટે બે યુવાનો ગામમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. તો ચાર યુવાનો ગામમાં રોજ ટ્રેકટર દ્વારા ગામને સેનીટાઈઝ કરી રહ્યા છે. આમ તમામ 10 યુવાનો દ્વારા ગામમાં લોકડાઉનનું સતત પાલન કરાવી રહ્યા છે. આ યુવાનોએ પંચાયત કચેરીમાંથી લેખિત મંજૂરી પણ લીધી છે. રોજેરોજ આવતા વાહનોનું રજિસ્ટ્રેશન કર્યા બાદ પંચાયતને સોંપવામાં આવે છે. પંચાયત આ રજિસ્ટ્રેશન કરેલા વાહનોની વિગત પોલીસ મથકે મોકલી આપે છે.
જોકે, આ ગામ બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ વસ્તી ધરાવતું ગામ છે. લોકડાઉન માટે બનાવવામાં આવેલી કમિટિના સભ્ય રાજુભાઇ માળીએ જણાવ્યું હતું કે, અમારી કમિટિમાં મિતેશ પઢીયાર, મોહનલાલ સુંદેશા, ગૌતમભાઈ ટાંક, હરેશભાઇ પરમાર, ગણપતભાઈ ભાટી, મહેશભાઈ પરમાર, વિનોદભાઈ માળી, રાજેશભાઈ સુંદેશા અને તુષારભાઈ માળીની ટીમ બનાવવામાં આવી છે. જોકે બનાસકાંઠામાં સૌથી મોટું ગણાતું આ ગામમાં ગ્રામજનો દ્વારા લોકડાઉનનો સંપૂર્ણ અમલ થાય અને લોકો કામ વગર ઘર બહાર ન નીકળે એ માટે યુવાનો જ ગામલોકો પાસે પાલન કરાવી રહ્યા છે અને ગામની ચિંતા યુવાનો કરી રહયા છે. આમ સ્વેચ્છાએ ગામની જવાબદારી ગામના યુવાનો નીભાવી રહ્યા છે.