બનાસકાંઠા: જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે એક જ રાતમાં બે અકસ્માતો થયા છે. જેમાં બંને યુવાનોના ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યા છે. ડીસામાં પણ પાટણ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં યુવકનું ઘટના સ્થળે કમાટી ભર્યું મોત નીપજતા દક્ષિણ પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને પોસ્મોટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
"ડીસા પાટણ હાઈવે પર મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમા અજાણ્યો વાહન ચાલકએ એક રાહદારીને અડફેટે લેતાં રાહદારી ગંભીર રીતે ઘવાતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું છે. ત્યારે આ બાબતે અમને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ડીસા ઉત્તર પોલીસ દ્વારા શોધખોળ હાલ ચાલુ છે" --.આર.એસ દેસાઈ (દક્ષિણ પોલીસ સ્ટેશનના પી.આઈ)
રાહદારીનું ઘટના સ્થળે જ કરુણ મોત: ડીસામાં મોડી રાત્રે પાટણ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક રાહદારી હનુમાનજી મંદિર પાસે રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે આ રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વાહનચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહી લુહાણ હાલતમાં રાહદારીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ: અકસ્માત થયો હોવાની જાણ થતા જ આજુબાજુના લોકોના ટોળેટોળા થઈ ગયા હતા. આ બનાવની જાણ કરતા ડીસા શહેર દક્ષિણ પોલીસને ટીમ પણ બનાવ સ્થળે પહોંચી હતી. સ્થળ પર પંચનામું કરી મૃતદેહને ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ મૃતકના વાલીવારસની શોધખોળ હાથ ધરી પોલીસે ફરાર વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.