બનાસકાંઠા: રણની કાંધીને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો હંમેશા પાણીની અછતનો સામનો કરતો આવ્યો છે. એમા પણ વળી ગરીબ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો આજે પણ પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને પીવાનું પાણી મેળવવા માટે 2-3 કિલોમીટર સુધી દૂર આમતેમ ભટકવા પડતું હોય છે અને તે પાણી પણ માથે ઉપાડીને લાવવું પડે છે. જેના કારણે અનેક મહિલાઓ અનેક સમસ્યાઓથી પીડાઈ રહી છે.
રોજેરોજ માટલા અને ઘડામાં પાણી ભરીને માથે ઉપાડવાના કારણે અનેક મહિલાઓને માથામાં ટાલ પડી જવી, વાળ ઉતરવા, માથાનો દુખાવો જેવી અનેક સમસ્યાઓ થઇ રહી છે. જેથી આ સમસ્યામાંથી છુટકારો અપાવવા માટે એક સામાજિક સંસ્થા આગળ આવી છે અને તેને દેશી જુગાડ કરી રોજેરોજ હેરાન થતી મહિલાઓની સમસ્યાનો કાયમી ઉકેલ અપાવ્યો છે.
વિચરતા સમુદાય સમર્થન મંચ નામની સંસ્થા આવા વિચરતા લોકો માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. આ સંસ્થાના લોકોને આ વાત ધ્યાને આવી, ત્યારે તેમણે આ મહિલાઓની સમસ્યાનું સમાધાન કરવા માટે અભ્યાસ શરૂ કર્યો હતો. થોડા રિસર્ચ બાદ તેમણે આ મહિલાઓને વોટર વ્હીલ આપવાનું નક્કી કર્યું હતું. વોટર વ્હીલને દેશી ભાષામાં રગડતા માટલા કહેવામાં આવે છે. પ્લાસ્ટિકના આ વોટર વ્હીલથી મહિલાઓને પાણી માથે ઉપાડવાની સમસ્યામાંથી મુક્તિ મળી છે.
બનાસકાંઠા જિલ્લામાં આવા વિચરતા લોકોની સંખ્યા અંદાજે 5,000 હજારથી પણ વધુ હશે. આવા લોકો પોતાની પાસે સ્થાયી મકાન કે ધંધા રોજગાર નહીં હોવાના કારણે રોજી-રોટી મેળવવા માટે ફરતા રહે છે. જેથી તેમણે પાણી માટે પણ દૂર-દૂર સુધી જવું પડતું હોય છે, ત્યારે વિચરતા સમુદાય સમર્થન મંચના સહયોગથી મહિલાઓને પાણી માથે ઉપાડીને લાવવાની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળી રહી છે. જેના કારણે મહિલાઓએ પણ સંસ્થાનો આભાર માન્યો હતો.
'એક સામાન્ય આઈડિયા પણ લોકોની જિંદગી બદલી નાખે છે' આ કહેવતને વિચરતા સમુદાય સમર્થન મંચ નામની સંસ્થાએ સાર્થક કરી રહી છે. આ સંસ્થા દ્વારા હાલમાં 45 વોટર વ્હીલ આપવામાં આવ્યાં છે અને આગામી સમયમાં જરૂરિયાત મુજબ આવા વોટર વ્હીલ બનાવી વિચારતા લોકોને આપવામાં આવશે. આ સંસ્થાના આ અનોખા કાર્યથી મહિલાઓને રોજે-રોજ પાણી માથે ઉપાડવાની સમસ્યામાંથી કાયમી ઉકેલ મળી ગયો છે.