લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક હોય છે. પરંતુ વર્તમાન સમયમાં વધતી જતી ગરમીના લીધે લીલા શાકભાજી લોકોના ખિસ્સા પર મોટું ભારણ નાખી રહ્યા છે. છેલ્લા પંદર દિવસથી સતત પડી રહેલી ગરમીના કારણે લીલા શાકભાજીના ભાવોમાં પણ ભડકો થયો છે. શાકભાજી 15 દિવસ પહેલા જે ભાવે મળતા હતા, તેની કિંમતમાં બમણો વધારો થઈ ગયો છે. જેના લીધે શાકભાજીની ખરીદી કરતી ગૃહિણીઓના બજેટ પણ ખોરવાઈ ગયા છે. ગરમીમાં થઈ રહેલા સતત વધારાના લીધે શાકભાજીની કિંમતો આસમાને પહોંચી ગઈ હોવાનું ગૃહિણીઓ જણાવી રહી છે.
શાકભાજીના ભાવોમાં અચાનક થયેલા ભડકા અંગે શાકભાજીના વેપારીઓએ જણાવ્યું હતું કે, શાકભાજીના ભાવોમાં થયેલા આ ભડકા પાછળ ગરમી જવાબદાર છે. ગરમી વધવાના લીધે બજારમાં શાકભાજીની ખૂબ જ ઓછી આવક થઈ રહી છે. જેના લીધે માંગ સામે પુરવઠો ઘટી જતાં શાકભાજીના ભાવો વધી ગયા છે.