બનાસકાંઠાઃ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા અમીરગઢમાં કોરોન્ટાઇન કરાયેલા બે યુવકો સ્કૂલના સળિયા તોડી નાસી જતાં તંત્રમાં દોડધામ થઇ ગઇ હતી.
![અમીરગઢમાં કોરોના વાઇરસને લઈ હોમકોરોન્ટાઈન કરાયેલા બે યુવકો ફરાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-04-2-yuvak-farar-gj10014_19042020170514_1904f_1587296114_202.jpg)
વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન કરાયો છે. જેના કારણે અનેક પ્રકારથી લોકો પોતાના વતન જવા માટે નીકળી પડ્યા હતા. તે દરમિયાન ગુજરાતમાં પણ બોર્ડર ક્રોસ કરી રાજસ્થાન જતા અનેક લોકો ઝડપાયા હતાં.
રાજસ્થાનમાંથી ગુજરાતમાં મજૂરી કામે આવેલા અને પોતાના વતન જતા 95 જેટલા લોકોને અમીરગઢ મોડેલ સ્કૂલમાં કોરોન્ટાઇન કરાયા હતા. જેમાંથી ગત મોડી રાત્રે 2 યુવકો મોડલ સ્કૂલના જાળીના સળિયા તોડી ફરાર થઈ જતા તંત્રમાં દોડધામ થઇ ગઇ હતી.
અંકલેશ્વરથી બાડમેર જતા ઝડપાયેલા બે યુવકો કોરોન્ટાઇનમાંથી ફરાર થઈ જતા આ બનાવના પગલે અમીરગઢ મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફરાર બંને યુવકોની શોધખોળ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે બીજા તબક્કાનું લોકડાઉન જાહેર થતા જ કોરોન્ટાઇન કરાયેલા લોકો ઘરે જવાની જીદ સાથે હંગામો મચાવ્યો હતો. જો કે તંત્રની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.