- બનાસકાંઠા જિલ્લામાં ચોરીની ઘટનામાં વધારો
- દિયોદરમાં બંધ મકાનને નિશાન બનાવી પાંચ લાખની ચોરી
- ધાનેરામાં ચાર મકાનો તોડી લાખોની ચોરી
- ચોરીની ઘટનામાં વધારો થતા લોકોમાં ભય
- ચોર ટોળકી સામે કાયદેસરની કાર્યવાહી કરવા સ્થાનિકોની માગ
બનાસકાંઠા : જિલ્લામાં એક તરફ ઠંડી પોતાનો અસલી કહેર બતાવી રહી છે. હાલમાં જ ઉત્તરાયણનો પર્વ પૂર્ણ થયો છે અને બનાસકાંઠા જિલ્લામાં જાણે ચોરોનો તહેવાર શરૂ થયો હોય તેમ બનાસકાંઠા જિલ્લામાં એક પછી એક મોટી મોટી ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં ચોર ટોળકી સક્રિય બની છે આ ચોર ટોળકી બનાસકાંઠા જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં મોટી મોટી ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં બે દિવસમાં જ બે મોટી ચોરીની ઘટનાઓ સામે આવી છે રાત્રિના સમયે બંધ મકાનો લાભ લઇ ચોર ગેંગ ચોરી કરી ફરાર થઈ જાય છે આમ સતત વધતી જતી ચોરીની ઘટનાને લઇ હાલમાં બનાસકાંઠા જિલ્લાવાસીઓમાં ભય જોવા મળી રહ્યો છે.
દિયોદરમાં બંધ મકાનને નિશાન બનાવી 5 લાખની ચોરી
બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલ શુભમ સોસાયટીમાં રાત્રિના સમયે બંધ મકાનનો લાભ લઇ ચોર ગેંગ પ્રવેશ કર્યો હતો. મકાનમાલિક હાજર ન હોવાના કારણે ચોરોએ અંદર પ્રવેશ કરી તિજોરી તોડી હતી. જે બાદ અંદર પડેલ રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીનાની 5 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે સવારે આ બાબતની જાણ આજુબાજુના લોકોને થતા તાત્કાલિક આ બાબતની જાણ મકાનમાલિકને કરવામાં આવી હતી. જે બાદ મકાનમાલિક ઘટનાસ્થળે પહોંચી દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા નાયબ પોલીસ અધિક્ષક સહિત પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જેમાં ફરિયાદીની ફરિયાદના આધારે દિયોદર પોલીસે ચોરતી ટોળકીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ખાસ કરીને દિયોદરમાં સતત વધી રહેલા ચોરીના બનાવોના પગલે હાલમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે દિયોદર પોલીસે તાત્કાલિક ધોરણે રાત્રી પેટ્રોલીંગમાં વધારો કરે અને આવી ચોરીઓની ઘટનાને અંજામ આપતી ટોળકીને પકડી પાડી કડકમાં કડક સજા કરવામાં આવે તો જ આવનારા સમયમાં ચોરીની ઘટનાઓ અટકી શકે તેમ છે.
ધાનેરામાં ચાર મકાનો તોડી લાખોની ચોરી
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. દિયોદરમાં શુભમ સોસાયટીના એક બંધ મકાનમાંથી સાડા પાંચ લાખ રૂપિયાના માલમત્તાની ચોરી થયા બાદ ધાનેરામાં પણ ચાર રહેણાંક મકાનમાં ચોરી થઈ છે. ધાનેરામાં આવેલ ગોકુળ સોસાયટી માં 3 બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જ્યારે તેની બાજુમાં આવેલ સુદર્શન સોસાયટીમાં પણ એક બંધ મકાન સહિત કુલ ચાર બંધ મકાનોમાં રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ મકાનમાલિક અને ધાનેરા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે આવી તપાસ હાથ ધરી હતી. ધાનેરા શહેરમાં વારંવાર ચોરીના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે જ્યારે રાત્રી પેટ્રોલીંગ કરતી પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે. છેલ્લા બે દિવસથી ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતાં તસ્કરો રીતસર પોલીસ સામે પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે જિલ્લામાં આતંક મચાવતી તસ્કર ટોળકીને પકડી જેલમાં ધકેલે તેવી લોકોની માંગ છે.
ચોર ટોળકી સામે કાયદેસરની કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ
બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના દિયોદર અને ધાનેરામાં રાત્રિના સમય દરમિયાન ચોર ટોળકીએ બે મોટી ચોરીની ઘટનાને અંજામ આપતાં હાલ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત ચોરીની ઘટનામાં વધારો થતા તો જાણે પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ જોવા મળી રહ્યું છે. ત્યારે હાલ તો બનાસકાંઠા જિલ્લાના લોકોની એક જ માંગ છે કે, તાત્કાલિક ધોરણે બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાઓમાં રાત્રી દરમિયાન પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવે અને વારંવાર ચોરીની ઘટનાને અંજામ આપતા તસ્કરો સામે કડકમાં કડક સજા કરવામાં આવે તો જ આવનારા સમયમાં ચોરીની ઘટનામાં ઘટાડો થઈ શકે તેમ છે.