- એલઆરડીમાં મહિલાઓને 33 ટકા સીટો અપાતા વિવાદ
- બનાસકાંઠાના યુવાનોએ પોતાની સીટ ઘટી હોવાનો કર્યો આક્ષેપ
- પુરૂષ ઉમેદવારોને અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે કરશે ધરણા
- ધરણાની પરવાનગી બાબતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
બનાસકાંઠાઃ બહુચર્ચિત એલઆરડી લોકરક્ષક 2018ની ભરતીનું ભૂત હજુ શમવાનું નામ લેતું નથી. 2018 જીએડીનો ઠરાવ રદ કરી મહિલાઓને 2486 બેઠકો વધારી દેવાતા પુરૂષ ઉમેદવારો હવે અન્યાયની રાવ સાથે મેદાને ઉતર્યા છે. બનાસકાંઠા સહિત રાજ્યભરના ઉમેદવારો હવે આર-પારની લડાઈ લડવા મક્કમ છે.
મહિલાઓને 33 ટકાથી વધુ અનામત અપાતા પુરૂષ ઉમેદવારોના કવોટામાંથી સીટો થઈ ઓછી
વર્ષ 2018માં પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલોની ખાલી જગ્યાઓ ભરવા એલઆરડી લોકરક્ષક દળની કુલ 9700 સીટો માટે પરીક્ષા લેવાઈ હતી, જેમાં લાખો ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આ પરીક્ષાનું પરિણામ જાહેર કરી નોકરીના ઓર્ડર આપવાની પ્રક્રિયા દરમિયાન જ વિવાદ સર્જાયો હતો. મહિલાઓ માટે 33 ટકા સીટો અનામત હોય છે. જેમાં 2018 જીએડીનો ઠરાવ રદ કરવા અનામત અને બિનઅનામત વર્ગની મહિલાઓ આમનેસામને આવી ગઈ હતી. આમાં છેવટે સરકારે તમામ મહિલાઓને 2486 સીટો વધારી આપતા હવે પુરૂષ ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહિલાઓની અનામત સીટો 33થી પણ વધુ જતાં પુરૂષ ઉમેદવારો તેમનો 67 ટકાનો ક્વોટા ઓછો કરી 54 ટકા કરી દેવાયો હોવાની રજૂઆત સાથે મેદાને ઉતર્યા છે.