- બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત કરાટે કોચિંગ
- 15 દિવસની કરાટે તાલીમ પૂર્ણ કરવામાં આવી
- સ્વરક્ષણ માટે ચાલુ કરાયો હતો કરાટે કોચિંગ કેમ્પ
અંબાજી: કોઈક કારણોસર ઘરની બહાર નીકળેલી મહિલાઓ તેમજ યુવતીઓ સાથે અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ થાય ત્યારે વિદ્યાર્થીનીઓ જાતે પોતાનું રક્ષણ કરી શકે તે માટે ચાલતા કરાટે કોચિંગ કેમ્પની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. તાલીમના અંતિમ દિવસે શાળાના પ્રાંગણમાં તાલીમ મેળવી ચુકેલી વિધ્યાર્થીનીઓ દ્વારા કરાટેના વિવિધ કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. એટલું જ નહી, તાલીમાર્થી કન્યાઓને અંબાજી પોલીસ મથકના પોલીસ ઈન્સપેકટર દ્વારા તાલીમ સર્ટિફિકેટ પણ એનાયત કરાયા હતા.
પરીક્ષાઓ બાદ અન્ય વિદ્યાર્થીનીઓની તાલીમ શરૂ કરાશે
પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને કરાટેની તાલીમનો ઉપયોગ સ્વબચાવ માટે કરવા માટે અપીલ કરી હતી. તાલીમાર્થી કન્યાઓએ પણ કરાટેની તાલીમ મેળવીને ખુશી વ્યક્ત કરી હતી અને પોતે હેરાનગતિ કરનારા તત્વો સામે લડવા માટે સક્ષમ હોવાનું જણાવ્યું હતું. હાલમાં પરીક્ષાઓ આવનારી હોવાથી પરીક્ષાઓ બાદ બીજા તબક્કાની તાલીમ શરુ કરવામાં આવવાની હોવાનું જાણવા મળ્યું છે.