બનાસકાંઠાઃ વૈશ્વિક મહામારી કોરોના વાઈરસના કારણે થયેલા લોકડાઉનમાં સતત ત્રણ મહિના સુધી તમામ લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા હતા. ખાસ કરીને ગરીબ લોકોને આર્થિક મુશ્કેલી વેઠવી ના પડે તે માટે સરકારે સતત ચાર મહિના સુધી ગરીબ લોકોને અનાજનો જથ્થો પૂરો પાડયો હતો. પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ તાલુકાના મીઠાવીરાણા ગામમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકે ગરીબ લોકોને અનાજનો જથ્થો આપવાનો બદલે બારોબાર ચાંઉ કરી ગયા હોવાના ગ્રાહકોએ આક્ષેપો કર્યા છે.
સરકારે ગરીબ લોકોને બે ટંક જમવાનું મળી રહે તે માટે અનાજનો જથ્થો તો આપ્યો હતો, પરંતુ મીઠાવીરાણામાં સસ્તા અનાજની દુકાનના સંચાલક બી.એચ.ગઢવીએ પોતાનું ઘર ભર્યું છે. ગામમાં 50 ટકા ગ્રાહકોને સતત 4 મહિના સુધી આ રાશનનો જથ્થો મળ્યો નથી. વારંવાર રજૂઆત કરવા છતા પણ ગ્રાહકોને તેમના હકનું અનાજ ન મળતા ગ્રાહકોએ હંગામો મચાવ્યો હતો અને એટલું જ નહીં પરંતુ કોઈ કહેવા જાય તો ધમકી આપતા સસ્તા અનાજની દુકાનના સંચાલકને ગ્રામજનોએ યુપીના ગેંગસ્ટર વિકાસ દુબે સાથે સરખામણી કરી હતી.
આ મામલે સસ્તા અનાજની દુકાનના સંચાલક બી.એચ.ગઢવી સાથે વાતચીત કરતા ગ્રામજનોના આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા અને તમામ લોકોને સમયસર રાશનનો જથ્થો આપતા હોવાનું જણાવ્યું છે. લોકોની ફરિયાદના આધારે ભાવ મતદાન હાલમાં તપાસ સોંપી છે અને બે દિવસમાં જ તમામ લોકોના નિવેદનો લઇ તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું.