બનાસકાંઠા: ડીસામાં રખડતા પશુઓની સમસ્યાથી લોકો ત્રસ્ત બની ગયા છે. હવે તો રખડતા ઢોરો વારંવાર લોકોને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગઈકાલે મોડી રાત્રે વિરેન પાર્ક સોસાયટીમાં પણ એક ગાય હડકાઇ થતાં અફડા તકડી મચી હતી તેમજ બેકાબુ બનેલી ગાયે એક બાળક સહિત ચાર લોકોને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી હતી.
તંત્ર સામે ભારે રોષ: ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવની જાણ થતા જ સ્થાનિક નગરસેવક વિજયભાઈ દવે અને મહિલા સદસ્યના પતિ મોતીભાઈ પ્રજાપતિ બનાવ સ્થળે પહોંચ્યા હતા. જોકે નગરસેવકોએ ચીફ ઓફિસરને વારંવાર ફોન કરવા છતાં પણ ફોન ન ઉપાડતા લોકો સહિત નગરસેવકોમાં પણ તંત્ર સામે ભારે રોષ ફેલાયો હતો.
'મારુ બાળક ઘરમાં રમતું હતું અને રમતો રમતો ઘરની બહાર નીકળી ગયો હતો. ગાય અચાનક આવી જતા હુ મારા બાળકને છોડાવવા ગઇ એટલે ગાયે મને મારવા લાગી. બાજુમાં રહેતા મહિલા દોડીને આવ્યાં અને બાળકને ગાયના પગ વચ્ચેથી ખેંચી લીધો. ગાયએ મને ખૂબ મારી છે. ડોકટરે મને બે દિવસ આર્મ કરવાની સલાહ આપી છે. વહીવટી તંત્ર આ રખડતાં ઢોરોનુ કઇક કરવું જોઈએ.' -ઉર્વશીબેન પંચાલ, ઇજાગ્રસ્ત
બેકાબુ ગાયને બાંધી પાંજરે પુરી: સ્થાનિક તંત્રથી રોસે ભરાયેલા લોકોએ બાદમાં ડીસાના ધારાસભ્યને ફોન કરતા મોડે મોડે જલિયાણ ગૌશાળાની એમ્બ્યુલન્સ વીરેન પાર્ક ખાતે પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ભારે જેહેમત ઉઠાવી બેકાબુ ગાયને બાંધી પાંજરે પુરી હતી. હડકાઈ ગાયને પાંજરે પૂરા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
'અમે ઘરમાં હત્યા ત્યારે અચાનક બહાર બુમાંબુમનો અવાજ આવ્યો. અમે ઘર માથી દોડી દોડીને બહાર આવ્યાં ત્યારે ગાય અમારાં બાળકને મારી રહી હતી. સામેથી બધાં છોકરાઓ આવ્યાં અને ગાયને ધોકા લાકડીથી મારી અને તેમ છતાં ગાય અમારાં બાળકને છોડતી નહતી. તંત્રને અપીલ કે આ મામલે કાર્યવાહી કરે.' -જ્યોતિબેન, ઇજાગ્રસ્ત બાળક માતા
ત્રણ દિવસમાં જ આઠ લોકોને ગંભીર ઈજા: બે દિવસ અગાઉ પણ રથયાત્રા દરમિયાન એક આખલાએ દોડાદોડી મચાવી હતી. રથયાત્રા જોવા માટે આવેલા ભાજપના પૂર્વ નગરસેવકની પુત્રી, ભાભી અને નગરપાલિકાના પૂર્વ કર્મચારી સહિત ચાર લોકોને ગંભીર ઈજા પહોંચાડી હતી. આમ ત્રણ દિવસમાં જ આઠ લોકોને ગંભીર ઈજા પહોંચાડતા તંત્ર સામે લોકોમાં ભારે રોસ ફેલાયો છે.