- ટ્રાફિક સમસ્યાથી શહેરીજનો પરેશાન
- નાના મોટા અકસ્માતો થતા રહે છે
- મુખ્ય માર્ગો પર દબાણો વધી રહ્યા છે
બનાસકાંઠાઃ સરહદી વિસ્તાર થરાદમાં ગત કેટલાય સમયથી ટ્રાફિકની સમસ્યા ખુબ વધી ગઈ છે. જેના કારણે લોકોએ શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે. નગર પાલિકાની નિષ્ક્રિયતાના કારણે માથાના દુઃખાવા સમાન બની ગયેલી ટ્રાફિકની સમસ્યાથી હવે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે..
બનાસકાંઠાના સરહદી પંથકમાં ગત કેટલાક સમયથી ટ્રાફિકની સમસ્યાની રાડ ઊઠવા પામી હતી, જ્યારે થરાદ શહેરમાં વધી રહેલી ટ્રાફિકની સમસ્યાથી શહેરીજનો હવે તોબા પોકારી ઊઠ્યા છે. થરાદ નગરપાલિકા દ્વારા અવારનવાર દબાણ હટાવો ઝૂંબેશ નામનું નાટક ભજવવામાં આવે છે, પરંતુ બાદમાં પરિસ્થિતિ જૈસે થે જેવી થઈ જાય છે. આમ તો ભાજપ વિકાસને વરેલી પાર્ટી છે પણ થરાદમાં કદાચ આ વાત પોકળ સાબિત થતી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, થરાદ નગરપાલિકામાં અત્યારે ભાજપ સત્તા સ્થાને છે. એટલું જ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લાના સાંસદ પણ થરાદના વતની છે તેમ છતાં પણ થરાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે.
બનાસકાંઠાના સરહદી થરાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાના કારણે અનેકવાર નાના મોટા અકસ્માતો પણ વધી રહ્યા છે. જેથી તંત્રની નિષ્ક્રિયતાના કારણે વધી રહેલી ટ્રાફિકની સમસ્યાનો ભોગ નિર્દોષ જનતાએ બનવું પડે છે અને હવે તો ટ્રાફિકની સમસ્યાથી પીડાતા લોકો પણ હવે નગરપાલિકાની કામગીરી સામે રોષ ઠાલવી રહ્યા છે.
બનાસકાંઠાના થરાદ નગર પાલિકાની રહેમ હેઠળ દિવસેને દિવસે દબાણો વધી રહ્યા છે. આમ છતાં નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આંખ આડા કાન કરવામાં આવતા હોય તેવું દેખાય રહ્યું છે. જો કે, દિવાળી પૂર્વ જ થરાદ નગરપાલિકા દ્વારા જાહેર રસ્તા ઉપરના દબાણો દૂર કરવાનું નાટક શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે જાહેર રસ્તા ઉપરના દબાણો જે છે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેથી થરાદ શહેરની અંદર આંતરા દિવસે નાના-મોટા અકસ્માતના કારણે કેટલાય નિર્દોષ લોકોની જીંદગી મોતના મુખમાં હોમાઈ રહી છે. આમ છતાં થરાદ નગરપાલિકા કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહ્યું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.