બનાસકાંઠા જિલ્લાના થરાદ પાસેથી પસાર થતી નર્મદા નિગમની નહેર હવે મોતની નહેર સાબિત થઈ રહી છે. થરાદ પાસેથી પસાર થતી નર્મદા નહેરમાં છેલ્લા 2થી 4મહિનામાં અનેક લોકોએ આ નહેરમાં પડી મોતને વ્હાલું કર્યું છે. ત્યારે આવો જ એક વધુ બનાવ થરાદ પાસેથી પસાર થતી નર્મદા નહેરમાં બન્યો હતો.
આ બનાવની વાત કરવામાં આવે તો, સુઇગામ તાલુકાના ભરડવા ગામે રહેતા ચંપાબેન જગદીશભાઈ બઢીયા અને તેમની 20 વર્ષીય પુત્રી ઘરેથી કંઈપણ કહ્યા વગર સવારે નીકળી ગયા હતા. જે બાદ માતા અને પુત્રી થરાદ પાસે દૂધસીત કેન્દ્ર પાસેથી પસાર થતી નર્મદા નહેર પાસે પહોંચ્યા હતા.
બંનેએ સાથે મળી નહેરમાં મોતની છલાંગ લગાવી હતી. પરંતુ માતા અને પુત્રીને નહેરમાં પડતા આજુબાજુના લોકો જોઈ જતા તાત્કાલિક માતા અને પુત્રીને બચાવવા માટે નહેરમાં પડ્યા હતા. જેમાં માતાને બચાવી લીધી હતી. પરંતુ પુત્રીનો કંઇ પતો ન લાગતા લોકોએ શોધખોળ હાથ ધરી હતી.
પરંતુ લાંબો સમય થઈ જતા પુત્રીની મૃત્યુ પામેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતે થરાદ પોલીસે હાલ પુત્રીના મૃતદેહને PM અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.