બનાસકાંઠાઃ જિલ્લામાં મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. બનાસકાંઠા જિલ્લાની ખેતી અને પશુપાલન કરવાની રીતની દેશ-વિદેશમાં પ્રસંસા થઇ રહીં છે. આ અગાઉ પણ સમગ્ર દેશમાં સૌથી વધુ દૂધ ધરાવતી મહિલાઓ બનાસકાંઠા જિલ્લામાંથી મળી આવી હતી. આ સાથે જ બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી અનેક ખેડૂતોને પોતાની ખેતી પદ્ધતિને કારણે સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.
બનાસકાંઠાના રામપુરા વડલા ગામના ઈસ્માઈલભાઈ શેરૂએ બીકોમ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી ખેતીમાં ઝંપલાવવાનું નક્કી કર્યું હતું. જેથી ખેતીમાં નુકસાન ભોગવી ચૂકેલા પિતાએ ઈસ્માઈલભાઈને ખેતીના બદલે નાની-મોટી નોકરી કરવા અંગે જણાવ્યું હતું, પરંતુ મક્કમ ઇરાદા સાથે ઇસ્માઇલભાઈએ ખેતી કરવાની જીદ પકડી હતી. જેથી તેમના પિતાએ એક વર્ષમાં સફળ ખેતી કરી બતાવવાની શરતથી ખેતી કરવાની પરવાનગી આપી હતી અને ઇસ્માઇલભાઈએ પ્રથમ વર્ષે જ ખેતીમાં 5 લાખનો નફો કરી બતાવ્યો હતો. તે દિવસથી આજ દિન સુધી ઇસ્માઇલભાઈએ પાછળ ફરીને જોયું નથી અને જોતજોતામાં તેમણે પોતાના પિતાને 40,000 દેવામાંથી મુક્ત કરી વર્ષે 60 લાખનો ચોખ્ખો નફો કમાતા થયા છે.
ઈસ્માઈલભાઈ તમામ પ્રકારની બાગાયતી ખેતી કરે છે. બટાકામાં તે એક એકરમાંથી સાર્વત્રિક ઉત્પાદન મેળવી રહ્યા છે. તેમજ પોતાના બટાકાને સીધા જ મોટી-મોટી કંપનીઓને વહેંચી વચેટિયાઓ વિના જ લાખો રૂપિયાનો નફો કમાઈ રહ્યા છે. તેમણે ઉચ્ચ ક્વોલિટીના બટાકા સાથે 2 કિલાનું બટાકુ ઉત્પાદિત કર્યું છે.
આ ઉપરાંત તે પપૈયા, તરબૂચ સહિત તમામ બાગાયતી પાકોમાંથી દર વર્ષે કુલ ૬૦ લાખ રૂપિયાનો સીધો નફો પ્રાપ્ત કરી રહ્યા છે. તેમની આ સ્થિતિમાં તે સરકાર તરફથી કૃષિ સાધનો ખરીદવા માટે દર વર્ષે સબસિડી સ્વરૂપે સહાય મેળવી રહ્યા છે. આ ઉપરાંત ઇસ્માઇલભાઈએ પોતાના જેવા પ્રગતિશીલ ખેડૂતો સાથે મળી અન્ય નાના ખેડૂતોને ટ્રેનિંગ આપી તેમને સમૃદ્ધ કરવાનું બીડું ઝડપ્યું છે. ૩ લાખ ખેડૂતોને તાલીમ આપવાની સાથે તૈયાર ખેતીના કોન્સેપટથી ઈસ્માઈલભાઈ ખેડૂતોને આગળ વધારી રહ્યા છે. ઈસ્માઈલભાઈનું સપનું છે કે, યુવાનોને નાની-મોટી ખેતીની જમીનમાં પણ દ્રઢ ઇચ્છાશક્તિથી ખેતી કરે તો આજની બેરોજગારીની જટિલ સમસ્યા પણ ખેતી હલ થઇ શકે તેમ છે.