- બનાસકાંઠા જિલ્લામાં ચોરીની ઘટનામાં વધારો
- દિયોદરમાં બંધ મકાનને નિશાન બનાવી પાંચ લાખની ચોરી
- ચોર ટોળકી સામે કાયદેસરની કાર્યવાહી કરવા સ્થાનિકોની માગ
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં એક પછી એક મોટી મોટી ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં ચોર ટોળકી સક્રિય બની છે. આ ચોર ટોળકી બનાસકાંઠા જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં મોટી મોટી ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે. દિયોદરમાં રાત્રિના સમયે બંધ મકાનનો લાભ લઇ ચોર ગેંગ ચોરી કરી ફરાર થઈ ગયા હતાં.
દિયોદરમાં બંધ મકાનને નિશાન બનાવી પાંચ લાખની ચોરી
દિયોદર ખાતે આવેલી શુભમ સોસાયટીમાં રાત્રિના સમયે બંધ મકાનનો લાભ લઇ ચોર ગેંગ પ્રવેશ કર્યો હતો. મકાનમાલિક હાજર ન હોવાના કારણે ચોરોએ અંદર પ્રવેશ કરી તિજોરી તોડી અંદર પડેલી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીનાની પાંચ લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. જ્યારે સવારે આ બાબતની જાણ આજુબાજુના લોકોને થતા તાત્કાલિક આ બાબતની જાણ મકાનમાલિકને કરવામાં આવી હતી. જે બાદ મકાનમાલિકે ઘટનાસ્થળે પહોંચી દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા નાયબ પોલીસ અધિક્ષક સહિત પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ફરિયાદીની ફરિયાદના આધારે દિયોદર પોલીસે ચોરતી ટોળકીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. દિયોદર પોલીસ તાત્કાલિક ધોરણે રાત્રી પેટ્રોલીંગમાં વધારો કરે અને આવી ચોરીઓની ઘટનાને અંજામ આપતી ટોળકીને પકડી પાડી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વાર માગ કરવામા આવી છે.
અગાઉ પણ અનેક ચોરીની ઘટના બની છે.
હાલ ચોર ટોળકી ગ્રામ્ય વિસ્તારોને સૌથી વધુ ટાર્ગેટ કરી રહી છે. ત્યારે થોડા દિવસ અગાઉ દિયોદર અને ધાનેરામાં ટોળકીએ મોટી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જે બાદ આજે ફરી એકવાર દિયોદરના ચીભડા ગામે ચોર ગેંગે વધુ 3 મંદિર અને 1 મકાનને ટાર્ગેટ બનાવી ચોરી કરી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જ્યારે સવારે આ ચોરીની ઘટનાની જાણ આજુબાજુના લોકોને તથા તેઓએ તાત્કાલિક દિયોદર પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ફરાર વિરુદ્ધ ગુનો નોંધી તેમને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
ચોર ટોળકી સામે કાયદેસરની કાર્યવાહી કરવા સ્થાનિકોની માગ
ચોરીની ઘટનાને લઈ હાલ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાઓમાં રાત્રી દરમિયાન પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવે અને વારંવાર ચોરીની ઘટનાને અંજામ આપતા તસ્કરો સામે કડકમાં કડક સજા કરવામાં આવે તો જ આગામી સમયમાં ચોરીની ઘટનામાં ઘટાડો થઈ શકે તેમ છે.