- મહિલા દિવસ નિમિત્તે આત્મનિર્ભર મહિલાઓનું સન્માન
- મહિલા સશક્તિકરણ માટે યુવાન દીકરીનું અનોખું અભિયાન
- વુમન કેર નામની સંસ્થા બનાવી મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા ચલાવી રહી છે મુહિમ
બનાસકાંઠાઃ જિલ્લામાં પાલનપુરની ડીવાઈન ટચ નામની શાળામાં આજે સોમવારે અનેક આત્મનિર્ભર મહિલાઓનું સન્માન કરી સાચા અર્થમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ એક યુવાન દીકરીના નેતૃત્વમાં કરાયું હતું. મહિલાઓ માટે અભિયાન ચલાવતી આ દીકરીની વાત કરીએ તો,પાલનપુર તાલુકાના વાસડા ગામે રહેતી પ્રિયંકા ચૌહાણ પાલનપુરની ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, પરંતુ બાળપણથી જ દીકરીઓ માટે કઈંક કરવાની ખેવના રાખતી પ્રિયંકા છેલ્લાં કેટલાંય વર્ષોથી મહિલા સશક્તિકરણ માટે કાર્યરત છે, તેઓએ વુમન કેર નામની પોતાની સંસ્થા ઉભી કરી મહિલાઓને મજબૂત બનાવવાનું બીડું ઝડપ્યું છે. તેઓ જિલ્લાના અનેક ગામોમાં ફરી દીકરીઓને ખાખરા, પાપડ, સીવણ કલાસ, મહેંદી વગેરે જેવા કોર્ષોની તાલીમ આપી તેમને આત્મનિર્ભર બનાવી રહી છે, તો મહિલાઓ સાથે થતી ઘરેલુ હિંસા રોકવા તે ગામે ગામ ફરી સંકટ સમયની સાંકળ નામે એકપાત્રીય અભિનય દ્વારા જાગરૂકતા ફેલાવી રહી છે.
આ પણ વાંચોઃ મહિલાઓ માટે પ્રેરણારૂપ બનેલી ગુજરાતની વિરાંગનાઓ
વર્ષે એક કરોડનું દૂધ વેચનારી મહિલાનું પણ કરાયું સન્માન
વડગામ તાલુકાના નગાણાં ગામે રહેતાં નવલબેન ચૌધરી અશિક્ષિત છે તેમછતા તેઓએ પશુપાલનના વ્યવસાયમાં રહેલી તેમની કોઠાસૂઝ થકી આજે તેઓ પ્રગતિના સોપાન સર કરી રહ્યાં છે, તેઓ વર્ષે એક કરોડ અને 11 લાખ રૂપિયાનું દૂધ બનાસ ડેરીમાં ભરાવી પોતાની દીકરાઓને પણ ઉચ્ચ અભ્યાસ કરવામાં સફળ રહ્યાં છે, જેમને આજે આત્મનિર્ભર મહિલા તરીકે સન્માનિત કરાયા હતા.
- નવલબેન ચૌધરી- પ્રગતિશીલ પશુપાલક
- જીનાબેન ઠાકોર- ચા ની લારી ચલાવનાર, દિવ્યાંગ મહિલા
- શાંતાબેન ખત્રી- શાકભાજીની લારી ચલાવનાર
- કોકિલાબેન ચૌહાણ- નવસસર્જન ટ્રસ્ટ, દેલવાડા, મહિલાઓને સ્વરોજગારી અપાવતું ટ્રસ્ટ
- શારદાબેન ગામી- નવસર્જન ટ્રસ્ટ, દેલવાડા, મહિલાઓને સ્વરોજગારી આપતું ટ્રસ્ટ
- શાઇનબેન નાગોરી- આત્મનિર્ભર મહિલા
- પ્રભાબેન પરમાર- મહિલાઓને સ્વરોજગારી અપાવનાર
- જાગૃતિબેન મેવાડા- બ્યુટીપાર્લર સંચાલક
- વર્ષાબેન રાઠોડ- દિવ્યાંગ મહિલા પત્રકાર
- સોનલબેન જોષી-આત્મનિર્ભર મહિલા