બનાસકાંઠાઃ જિલ્લાના અમીરગઢ પાસે આવેલા ઇસવાણી અને સોનવાસી વચ્ચેનો માર્ગ ભારે વરસાદના કારણે ધોવાઇ ગયો છે. રોડ ધોવાઇ જતા ગ્રામજનોએ જીવના જોખમે પણ નદીમાં થઈને પસાર થવું પડે છે. બન્ને ગામના અંદાજિત 600થી પણ વધુ લોકો માર્ગ તૂટી જવાના કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
આ ઉપરાંત રાજસ્થાનમાં ભારે વરસાદ થતા બન્ને ગામ વચ્ચેથી પસાર થતી નદીમાં ઘૂંટણ પાણી હોવા છતાં વાહનચાલકો અને રાહદારીઓને તેમાંથી પસાર થવું પડે છે. દિવસ દરમિયાન તો ઠીક છે પરંતુ રાત્રિના સમયે કોઈ બીમાર લોકોને પણ જીવના જોખમે નદીમાંથી પસાર થવું પડે છે.
આ મામલે ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી હોવા છતા પણ તંત્ર દ્વારા આ બાબતે કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા. જેથી કંટાળેલા ગ્રામજનોએ આજે નિંદ્રાધીન તંત્રને જગાડવા માટે અનોખો પ્રયાસ કર્યો હતો. બન્ને ગામના અંદાજિત 200થી પણ વધુ લોકો ઢોલ વગાડી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આ ઉપરાંત આ રોડ તાત્કાલિક બનાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.
જે અધિકારીઓ લોકોની સમસ્યા હલ કરવા માટે કચેરીઓમાં બેઠા છે તે અધિકારીઓ જ લોકોની સમસ્યાના સમાધાનના બદલે આંખ આડા કાન કરે છે. તેના કારણે આવા નિંંદ્રાધીન તંત્રને જગાડવા માટે અવનવા પ્રયાસો કરવા પડે છે.