ડીસા: ડીસાના શિવનગર વિસ્તારમાં રહેતો સુરેશ બારોટ નામનો 17 વર્ષીય યુવક ડીસાની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો. જે બે દિવસ અગાઉ મોડી સાંજે હોસ્પિટલથી ઘરે જવા માટે નીકળ્યો હતો, પરંતુ મોડીરાત સુધી ઘરે ન પહોંચતાં તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.
જો કે, બીજા દિવસે સાંજે હત્યા કરાયેલી હાલતમાં નદીના પટમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવને પગલે પરિવારજનો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જ્યાં સુરેશ બારોટને તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી મૃતદેહનેે પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને હત્યાનો ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.
જોકે કે પોસ્ટ મોર્ટમ થયા બાદ પરિવારજનોએ તેનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને મૃતકના પરિવારજનો અને બારોટ સમાજના આગેવાનોએ ભેગા મળી સિવિલ હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો, તેમજ જ્યાં સુધી પોલીસ આરોપીઓને નહીં પકડે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
યુવકની હત્યા મામલે હાલમાં પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે, ત્યારે આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની વાત મામલે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા આરોપીને ઝડપી પાડવાની બાંહેધરી આપતા 30 કલાક બાદ મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો અને પોલીસે અજાણ્યા હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.