બનાસકાંઠાઃ જિલ્લામાં મોટાપાયે તમાકુ અને ગુટકાની ગેરકાયદેસર રીતે હેરફેર થઈ રહી છે. લોકડાઉન થતા અત્યારે મોટાભાગના પાનબીડી મસાલાના બંધ છે. ત્યારે ચોરી છુપે ગુટખાનું વેચાણ હજુ પણ યથાવત છે. ગુટકા અને તમાકુની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે પોલીસ સતર્ક બની છે. જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના ડીસા રૂરલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી પોલીસે અમદાવાદથી થરાદ જતાં 19 લાખથી વધુના ગુટખા અને તમાકુની ટ્રક ઝડપી પાડી છે.
થરાદના તમાકુના વેપારી જયેશ માળીને ત્યાં અમદાવાદથી આ માલ થરાદ ખાતે જતો હતો. પોલીસે અત્યારે તો ટ્રક મુદ્દામાલ તેમજ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો છે. આ વિસ્તારમાં તમાકુ ગુટકાની મોટી માંગ છે. લોકડાઉન થતાં મોટા ભાગના વેપારીઓ બમણી કિંમતે અત્યારે ગુટકા અને તમાકુ વેચાણ કરી રહ્યા છે. જેનો લાભ લઈ વેપારીઓ અત્યારે રાતના અંધારામાં ગુટકા અને તમાકુની હેરાફેરી કરી રહ્યા છે. જેથી પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત અને વોચ ગોઠવી આવા તત્વોનેને ઝડપી પાડવા વધુ સક્રિય બની છે.
આજે ડીસા રૂરલ પોલીસે 19.18 લાખના મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસ વધુ સતર્ક બને તો રાત્રિ દરમિયાન દારૂની જેમ હવે ગુટકા અને તમાકુની હેરાફેરી કરતા લોકો વધુ પકડાઇ તેમાં કોઈ શંકા નથી.