બનાસકાંઠાઃ કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનમાં માત્ર માનવ જીવન જ નહીં પરંતુ પશુઓ પણ ગંભીર અસર પડી છે. જે દાનવીરો ગૌશાળામાં દાન આપતા હતા તેઓએ લોકડાઉન દરમિયાન માનવ સેવામાં દાન વાપરતા બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ગૌશાળાઓની આર્થિક સ્થિતિ નબળી પડી છે. જોકે તે સમયે સરકારે બે મહિના સુધી પશુ દીઠ 25 રૂપિયાની સહાય કરી હતી, પરંતુ ત્યારબાદ હવે હવે ગૌશાળાઓ અને પાંજરાપોળની સ્થિતિ કથળી રહી છે.

ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોએ અગાઉ પણ પશુઓના નિભાવ માટે સરકાર વધુ સહાય કરે તે માટે રજૂઆત કરી હતી. વારંવાર જિલ્લા કલેકટરથી લઈને મુખ્ય પ્રધાન સુધી લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ સરકારે સંચાલકોની વાત ધ્યાને ના લેતા મંગળવારના રોજ ડીસા ખાતે પાંજરાપોળ સંચાલકોની એક બેઠક યોજાઇ હતી.

છત્રી લઈને બેઠેલા પાંજરાપોળના સંચાલકોએ સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું હતું. ત્યારબાદ પાંજરાપોળ સંચાલકો જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી ગાંધી ચીંધ્યા માર્ગે રામધૂન બોલાવી હતી અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી પશુઓ ની સહાય માટે માંગણી કરી હતી. તેમજ સરકારને પાંજરાપોળના સંચાલકોએ છેલ્લું અલ્ટિમેટમ આપ્યું છે, જો સરકાર પશુઓના સહાય માટે નહીં વિચારે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.