ડીસા: બનાસકાંઠાના રાણપુર ગામમાં પતિને તેની પત્ની અને પ્રેમી સાથે મળી ઝાડ સાથે બાંધી ઢોર માર મારી ફરાર થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોએ પોલીસને બોલાવી ઝાડ સાથે બાંધેલા ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડ્યો છે.
ડીસાના રાણપુર ગામે જીવણજી ગણાજી ઠાકોર તેમની પત્ની અને 4 બાળકો સાથે રહે છે અને ગામમાં છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે આ જીવણજીના ઘરે દાંતીવાડા તાલુકામાં ઓઢવા ગામનો પ્રકાશ જેન્તીજી ઠાકોર અવરજવર કરતો હતો તે બાબતે જીવણજીએ તેની પત્નીને પૂછતા તેના મામાનો દીકરો ભાઈ હોવાનું જણાવ્યું હતું.તે દરમિયાન છેલ્લા 10 દિવસથી આ પ્રકાશ તેમના ઘરે રહેતો હતો.જો કે લોકડાઉનમાં જીવણજીએ મામાના દીકરાને તેના ઘરે મોકલવાની વાત કરતા તેની પત્ની ઉશ્કેરાઇ ગઈ હતી, અને પ્રકાશ મારા ઘરે જ રહેશે તેવું કહી તેને મારી નાખવો છે તેમ કહી ધમકી આપી હતી.
જે દરમિયાન સવારે ફરી પ્રકાશ મામલે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા તેની પત્ની અને પ્રેમીએ ઢોરમાર મારીને ઘર આગળ લીમડાના ઝાડ સાથે બાંધી દીધો હતો.જીવણજી બુમાબૂમ કરતા તેની પત્ની અને પ્રેમી બાળકો સાથે નાસી ગયા હતા. આ બનાવની જાણ થતા જ દોડી આવેલા ગામના સરપંચ અને ગ્રામજનોએ જીવણજીને લોહીલુહાણ હાલતમાં જોઈને પોલીસને જાણ કરી હતી.
જ્યારે બનાવના પગલે આવેલી પોલીસે યુવકને ઝાડ સાથે બાંધેલો છોડીને સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જીવણજીના જણાવ્યા મુજબ તે પ્રકાશને આવવાનું ના પાડે ત્યારે તેની પત્ની અવારનવાર ખોટા કેસ કરી જેલમાં પુરાવી દેતી હતી અને મારઝૂડ કરતી હતી અને પ્રકાશ અને તેની પત્ની બળજબરીથી દારૂ મોઢામાં રેડી અને પોલીસને બોલાવી દારૂ પીને ધમાલ કરે છે તેવું પોલીસને જણાવતી જેથી પોલીસ લઈ જતી અને જેલમાં રાખતી હતી.તેમજ ઘટના બાદ પોલીસ આવી હતી અને ઘરમાંથી કુહાડી અને ધારીયા જેવા 4 તિક્ષ્ણ હથિયારો મળ્યા હતા જેના પરથી સ્પષ્ટ થઈ છે તેની પત્ની તેના પ્રેમી સાથે મળી જીવણના મોતનું કાવતરું રચ્યું હતું.
પોલીસે ઇજાગ્રસ્ત પતિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનાની વિગચ મેળવીને આગળની તપાસ શરૂ કરી છે.