- બનાસકાંઠામાં 30 ગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા
- રાજસ્થાનમાંથી કરવામાં આવે છે હેરાફેરી
- પોલીસે હાથ ધરી આગળની કાર્યવાહી
બનાસકાંઠા: જિલ્લોએ રાજસ્થાની બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે. જેના કારણે દર વર્ષે અસામાજિક તત્વો દ્વારા બનાસકાંઠા જિલ્લાની બોર્ડર ઉપરથી મોટા પ્રમાણમાં ગુનાહિત ઘટનાઓને અંજામ આપવામાં આવે છે. રાજસ્થાનમાંથી દર વર્ષે ગુજરાતમાં પાસ પરમીટ વગરનો ગેરકાયદેસર દારૂનો જથ્થો સૌથી વધુ ગુજરાતમાં લાવવામાં આવે છે. તે ઉપરાંત બનાસકાંઠા જિલ્લાની બોર્ડ પરથી ડ્રગ્સ, અફીણ, ગેરકાયદેસર હથિયારો ઝડપાય છે. બનાસકાંઠા જિલ્લાની બોર્ડર ઉપરથી મોટા પ્રમાણમાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે માદક પદાર્થોની હેરાફેરી કરવામાં આવી રહી છે.
પોલીસે આકેસણ ગામ પાસે ડ્રગ્સ ઝડપ્યું
છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં ડ્રગ્સની હેરાફેરી ખૂબ જ વધી ગઈ છે, જેને લઈ બનાસકાંઠા જિલ્લા પોલીસ પણ સતર્ક બની ગઈ છે. ગુરુવારે SOGની ટીમને ખાનગી રાહે માહિતી મળતા જ તેમને પાલનપુરના આકેસણ ગામ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક રાજસ્થાન પારસિંગની શંકાસ્પદ સ્વીફ્ટ કાર આવતા તેને ઉભી રાખીને તલાશી લેવામાં આવી હતી. તપાસમાં કાર ચાલક પ્રકાશ મફતલાલ ખત્રીના ખિસ્સામાંથી 30 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે તરત જ ત્રણેય વ્યક્તિઓની અટકાયત કરી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લાની નેનાવા બોર્ડર પરથી ડ્રગ્સની હેરાફેરી કરતા શખ્સની ધરપકડ કરાઇ
પોલીસે 5.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસની પ્રાથમિક પૂછપરછ કરતા કાર ચાલક પ્રકાશ ખત્રી રાજસ્થાનના જાલોર જિલ્લાના ડુંગરવા ગામનો રહેવાસી હતો. જ્યારે બીજો શખ્સ વાવના દૈયપ ગામનો રહેવાસી પ્રવિણપુરી રામપુરી ગોસ્વામી હતો. આ બંને જણા ડીસાના હરસોલિયા વાસમાં રહેતા કમલેશ રમણિકલાલ સોનીને આ ડ્રગ્સ આપવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ ડ્રગ્સ રાજસ્થાનના જાલોર જિલ્લાના સરણાઉ ગામના ભભુતારામ ચોખારામ વિશ્ર્નોઇ પાસેથી લાવ્યા હતા. જેથી SOG ની ટીમે ત્રણેય આરોપીઓની અટકાયત કરી પાલનપુર તાલુકા પોલિસ ને સોંપ્યા હતા જે અંગે પાલનપુર તાલુકા પોલીસે ઝડપાયેલા ત્રણેય સહિત ચાર લોકો સામે NDPS એકટ મુજબ ગુન્હો નોંધ્યો છે અને સ્વિફ્ટ કાર અને મેફેડ્રોન ડ્રગ્સ નો જથ્થા સહિત કુલ 5.38 લાખનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : ક્રાઈમ બ્રાન્ચે MD ડ્રગ્સ સાથે બે આરોપીની કરી ધરપકડ