- લાખણી પાસે આવેલા સરકારી હોસ્પિટલની બાજુમાં હિટ એન્ડ રનની બની ઘટના
- પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
- નાના-મોટા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો ઇજાગ્રસ્ત થયા
બનાસકાંઠાઃ ડીસા થરાદ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં લાખણી પાસે હાઇવે પર અજાણ્યા બાઇક ચાલકે રાહદારી આધેડને ટક્કર મારી ફરાર થઈ જતાં રાહદારીનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજયું હતુ. બનાવને પગલે આગથળા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાખણી પાસે આવેલા સરકારી હોસ્પિટલની બાજુમાં હિટ એન્ડ રનની ઘટના
લાખણી પાસે આવેલી સરકારી હોસ્પિટલની બાજુમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં લાખણી તાલુકાના ગણતા ગામના બળવંતભાઈ હેમાભાઇ પટેલ રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એક અજાણ્યા બાઇક ચાલકે આધેડને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બાઇક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો જ્યારે રોડ પર પટકાતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા આધેડ બળવંતભાઈ પટેલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
આ બનાવની જાણ થતા જ આજુ-બાજુના લોકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. બનાવને પગલે આગથળા પોલીસ પણ ઘટનાસ્થળે આવી હતી એને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યારે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
નાના-મોટા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો ઇજાગ્રસ્ત થયા
બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો રોજ સામે આવી રહ્યા છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે જે પ્રમાણે અકસ્માતો વધી રહ્યા છે, તેમાં મોટા પ્રમાણે બાઈક સવારોના અકસ્માતો જોવા મળી રહ્યા છે. રોજ સર્જાતા નાના-મોટા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો ઘાયલ થયા છે. અનેક લોકો મોતને પણ ભેટે છે. પોલીસ દ્વારા વારંવાર સુરક્ષિત વાહન ચલાવવા માટે ઝૂંબેશ કરવામાં આવતી હોવા છતાં પણ બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.