બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી
- આગામી ત્રણ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
- જિલ્લા કલેક્ટરે અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કર્યો આદેશ
- મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસરોને અપાઇ સુચના
બનાસકાંઠાઃ જિલ્લામાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં જિલ્લામાં વરસાદનું આગમન થયું ન હતું, જેના કારણે જિલ્લામાં લોકોને તેમજ ખેડૂતોને મોટી ચિંતા ઉભી થઇ હતી. છેલ્લા બે વર્ષથી બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદના કારણે જિલ્લાના જીવાદોરી સમાન ચારેય ડેમ ખાલીખમ થઈ ગયા હતા. જેથી જિલ્લામાં પાણીની મોટી સમસ્યા સર્જાઇ હતી. ત્યારે છેલ્લા 5 દિવસથી જિલ્લામાં સારો વરસાદ વરસી રહ્યો છે, જેથી ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી.
જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે હાલ ખેડૂતોના પાકોને પણ જીવનદાન મળ્યું છે, ત્યારે હજુ પણ આગામી સમયમાં વધુ વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
ચોમાસાની સિઝનમાં જિલ્લામાં આગામી ત્રણ દિવસ 14 થી 16 ઓગસ્ટ સુધીમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે, જેમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેથી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા આગાહીને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટની તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. કલેકટર દ્વારા જિલ્લાના તમામ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસરોને સૂચનાઓ આપી વરસાદના કારણે કોઇપણ પ્રકારની તકલીફ કે નુકસાન થાય તો તાત્કાલિક જાણ કરવા જણાવાયું છે. આ ઉપરાંત અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ કરવામાં આવ્યો છે.