અમીરગઢઃ ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદના કારણે તમામ નદીઓ કોરીધાકોર પડી હતી પરંતુ છેલ્લા બે દિવસથી ઉપરવાસમાં સારો વરસાદ થતાં હાલ બનાસકાંઠા જિલ્લાની અનેક નદીઓ વહેતી થઈ છે જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
અમીરગઢ પાસેથી પસાર થતી બનાસ નદીમાં નવા નીર આવતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વર્ષે ચોમાસુ બનાસવસીઓ માટે બરાબર નથી. કારણ કે બનાસકાંઠાના ત્રણેય જળાશયો ખાલીખમ છે અને હજુ નવું એક ફૂટ પણ પાણી આવ્યું નથી. જ્યારે રાજસ્થાનમાં ગઈ રાત્રે જોરદાર વરસાદ વરસ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસકાંઠામાં અમીરગઢ પાસે આવેલી બનાસ નદીમાં નવા નીર આવ્યાં હતાં. બનાસ નદી બંને કાંઠે વહેતી જોઇ લોકો પણ ખુશખુશાલ થઈ ગયાં હતાં. નદી બંને કાઠે વહેતાં અને ઘોડાપુર આવતાં જ આજુબાજુના લોકો પણ જોવા માટે નદીએ પહોંચ્યાં હતાં અને સૂકી ભઠ્ઠ નદીમાં નવા નીર આવતા આજુબાજુમાં પાણીનાતળ પણ ઊંચા આવવાનીએ આશાએ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.