અમીરગઢઃ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. અનલોક શરૂ કર્યા બાદ કોરોના વાઇરસનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. રાજસ્થાન સરકારે રાજ્યમાં કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે ફરી એકવાર બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી છે.
ખાસ કરીને ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર અવર-જવર કરતા તમામ વાહન ચાલકોની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાની પણ અમીરગઢ, અંબાજી, થાવર, ગુંદરી અને ખોડા સહિત તમામ બોર્ડર પરથી રાજસ્થાનમાં પ્રવેશતા અને રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા વાહન ચાલકોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ બિનજરૂરી અવર-જવર કરતા લોકોને પણ અટકાવવામાં આવી રહ્યા છે. સરકારના આદેશને પગલે પોલીસે હાલમાં તમામ બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા તેજ કરી છે.
રાજસ્થાન સરકારે ભલે કોરોના વાઇરસના સંક્રમણની ચેન્જ કરવા માટે બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી છે. પરંતુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, રાજસ્થાનમાં કોરોના વાઇરસની સાથે-સાથે રાજકીય હલચલના પગલે પણ સરકારે અગમચેતી માટે સુરક્ષા વ્યવસ્થા તેજ કરી છે.