બનાસકાંઠાઃ કોરોનાને લીધે બનાસકાંઠામાં સંપૂર્ણ લોકડાઉનની સ્થિતીમાં કૃષિવિજ્ઞાન કેન્દ્ર ડીસા ધ્વારા 'મશરૂમની ખેતી પધ્ધતિ પર ત્રિદિવસીય' ઓનલાઈન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજયના જુદા જુદા 17 જિલ્લાઓમાંથી કુલ 110 જેટલાં ખેડૂતોએ ભાગ લીધો છે.
![ગુજરાતમાં પ્રથમવાર ખેડૂતોને 3 દિવસ મશરૂમની ખેતી પધ્ધતિ પર ઓનલાઈન તાલીમ અપાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-01-khedut-talim-gj10014_15052020083917_1505f_1589512157_588.jpg)
જેમાં મશરૂમની ખેતી પદ્ધતિ પર ત્રણ દિવસ સુધી ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યના અલગ અલગ 17 જિલ્લાઓમાંથી 110 જેટલા ખેડૂતો, ગ્રામીણ યુવાનો અને મહિલા ખેડૂતોએ ઓનલાઈન ગુગલ મીટ એપના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવી ભાગ લીધો હતો.
આ ઓનલાઈન તાલીમમાં સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા.આર.કે.પટેલે ખેડૂતોને મશરૂમમાં રહેલા પોષક તત્વો, આરોગ્ય માટે કેવી રીતે લાભદાયી છે. તેમજ ગુજરાતના જુદા જુદા જિલ્લામાં થતી મશરૂમની ખેતી પધ્ધતિ અને આવનારા ભવિષ્યમાં મશરૂમની ખેતીની તકો વિશે ખેડૂતોને માહિતગાર કર્યા, તેમજ ટુંકી ટુંકી જમીન વિસ્તારમાં પણ ખેડૂત મશરૂમની ખેતી કરી ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે છે. જે ગ્રામીણ વિસ્તાર માટે રોજગારની સારી તક છે તેમ સમજાવ્યું હતું.
આ સિવાય વૈજ્ઞાનિક અને વર્કશોપના આયોજક ર્ડા.યોગેશ પવાર ધ્વારા મશરૂમના વિવિધ પ્રકારો અને તેમા રહેલા પોષક તત્વો અને આરોગ્ય માટેના ફાયદાઓ વિશે માહિતી પુરી પાડી હતી.