- ગુજરાતમાં પ્રથમવાર મહિલા પેનલ સાથે ચૂંટણી લડશે
- ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે 39 ઉમેદવારો મેદાનમાં
- 9 જુલાઈએ પાંથાવાડા માર્કેટયાર્ડની ચૂંટણી યોજાશે
બનાસકાંઠા: ગુજરાતમાં પ્રથમવાર મહિલા પેનલ ચૂંટણીમાં ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આવેલું પાંથાવાડા માર્કેટયાર્ડ જ્યારથી બન્યું છે ત્યારથી એક જ સમાજનો તેના પર દબદબો રહ્યો છે, પરંતુ આ વખતે પ્રથમવાર એક મહિલા ઉમેદવારે પોતાની પેનલ મેદાનમાં ઉતારી છે અને એ મહિલા એટલે ફાલ્ગુનીબેન ત્રિવેદી ઇતર સમાજને સાથે રાખી ફાલ્ગુનીબેનની પેનલે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ફાલ્ગુની બેનનું માનવું છે કે, સહકારી માળખામાં મહિલાઓ ખૂબ જ ઓછો રસ ધરાવે છે. ત્યારે ફરી સહકારી માળખામાં પણ મહિલાઓએ રસ રાખવો જોઈએ. તેમજ કોઈ એક સમાજને બદલે દરેક સમાજને પણ સહકારી માળખામાં તેમનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળવો જોઈએ.
પાંથાવાડા માર્કેટયાર્ડની ચૂંટણીમાં 39 ઉમેદવારો મેદાનમાં
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, આ વખતે પાંથાવાડા માર્કેટયાર્ડની ચૂંટણી (Election) માં દરેક સમાજની સાથે લઈ અમે ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે અને અમને ચોક્કસથી વિશ્વાસ છે કે, દરેક સમાજના સાથ અને સહકારથી ચોક્કસથી આ વખતે અમારી પેનલનો વિજય થશે. પાંથાવાડા માર્કેટયાર્ડની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો જેમાં કુલ 89 ફોર્મ ભરાયા હતા. જેમાંથી આજે 50 ફોર્મ પરત ખેંચાતા હવે 39 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં ખેડૂત વિભાગમાં 27, વેપારી વિભાગમાં 8 અને ખરીદ વેચાણ વિભાગમાં 4 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં થઈ શકે છે આકર્ષક જાહેરાતો અને ઉદ્ઘાટન
ભાજપ સામે ભાજપ ચૂંટણી લડશે
ભાજપ સામે ભાજપ (bjp) ચૂંટણી લડશે. આગામી 9 જુલાઈના દિવસે યોજાનારી પાંથાવાડા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સવસીભાઈ ચૌધરી છે. તો સામેની પેનલમાં ભાજપ મહિલા મોરચાના કાર્યકર્તા ફાલ્ગુનીબેન ત્રિવેદી છે.
પાંથાવાડ માર્કેટયાર્ડની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે
બંને ઉમેદવારો ભાજપના હોવાથી આ વખતે ભાજપ સામે ભાજપ જ સહકારી ક્ષેત્રે ચૂંટણી લડશે. પાંથાવાડા માર્કેટયાર્ડમાં એક તરફ માર્કેટયાર્ડના ચેરમેન સવસીભાઈ ચૌધરીની પેનલ છે તો બીજી તરફ પૂર્વ ચેરમેન રેસાભાઈ ચૌધરીની સાથે સાથે મહિલા ઉમેદવાર ફાલ્ગુનીબેન ત્રિવેદીએ પણ તેમની પેનલ મેદાનમાં ઉતરતા આ વખતે પાંથાવાડા માર્કેટયાર્ડમાં ચોક્કસ ત્રિપાંખિયો જંગ જામવાનો છે. પાંથાવાડ માર્કેટયાર્ડની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે.
કુલ 1,200 જેટલા મતદારો પૈકી 50 ટકા મતદારો ચૌધરી- પટેલ સમાજના
કુલ 1,200 જેટલા મતદારો પૈકી 50 ટકા મતદારો ચૌધરી- પટેલ સમાજના અને બાકીના 50 ટકા ઇતર સમાજના છે અને આ વખતે માર્કેટયાર્ડની ચૂંટણીમાં ઉભા રહેલા ત્રણેય પેનલ ભાજપ સમર્થીત ઉમેદવારોની છે. હવે મતદારો પોતાની પસંદગીનો કળશ કોના પર ઢોળે છે તે તો પરિણામ બાદ જ ખ્યાલ આવશે, પરંતુ આ વખતની ચૂંટણી ચોક્કસ રસપ્રદ બની રહેશે તે નક્કી છે.