બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રણ દિવસથી ફુડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યાં છે. લોકડાઉન થયા બાદ તમામ મીઠાઇ અને ફરસાણની દુકાનો હાલ બંધ હાલતમાં છે. ત્યારે આ દુકાનમાં પડી રહેલી મીઠાઈ કે ફરસાણ સહિતનો માલસામાન ખરાબ થઈ ગયો હોવાથી અને તે ફરી લોકડાઉન ખુલ્યા બાદ વપરાશમાં ના આવે કે વેપારીઓ દ્વારા આ સામાન ગ્રાહકોને વેચવામાં ના આવે તે માટે આજે ઇકબાલગઢ અને અમીરગઢ પંથકમાં પણ આજે ફુડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
આ વિસ્તારની 25 જેટલી મીઠાઈની દુકાનોમાં પડી રહેલા અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાની અંદર સતત ત્રણ દિવસથી અલગ અલગ ટીમો અલગ-અલગ શહેરો અને ગામોમાં મીઠાઇ અને ફરસાણની દુકાનો પર તપાસ કરી રહી છે. અખાદ્ય માલ-સામાનનો નાશ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ભવિષ્યમાં કોઈ રોગચાળો ન ફેલાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે.