બનાસકાંઠાઃ રાજ્ય સહિત દેશમાં ઘટતા જતા સેક્સ રેસિયાને અટકાવવા માટે સરકારે ગર્ભ પરીક્ષણ અંગે કાયદો બનાવ્યો છે. કેન્દ્ર સરકારે ગર્ભ પરીક્ષણ કસોટી નિયમન અને તેનો દુરુપયોગ થતો અટકાવવા માટેનો કાયદો 1994થી અમલી બનાવ્યો છે, તેમ છતા પણ કેટલાક તબીબો નાણાની લાલચમાં આવી ગર્ભ પરીક્ષણ કરતા પણ ખચકાતા નથી.
બનાસકાંઠા જિલ્લામાં પણ ગર્વ પરીક્ષણ થતું હોવાની માહિતી મળતા જ જિલ્લા આરોગ્ય વિભાગે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન ભીલડી ખાતે ખાનગી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું હોવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનીષ ફેન્સી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જીગ્નેશ હરિયાણીની ટીમે એક પ્રેગનેટ મહીલાને ડો.કે.બી પરમારની હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ માટે મોકલી હતી.
હોસ્પિટલમાં ડોક્ટરની ગેરહાજરીમાં સ્ટાફ નર્સ તરીકે કામ કરતી ચકુએ મહિલાની સોનોગ્રાફી દ્વારા ગર્ભ પરીક્ષણ કરી તેને બેબી હોવાનું જણાવ્યું હતું. ગર્ભ પરીક્ષણ થઇ ગયું હોવાની માહિતી મળતા જ આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા અને ગર્ભ પરીક્ષણ કરતી નર્સને રંગેહાથ ઝડપી લીધી હતી. ગર્ભ પરીક્ષણ મામલે અત્યારે હોસ્પિટલમાં રહેલા બન્ને સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યાં છે. જ્યારે હોસ્પિટલમાં બેદરકારી દાખવનાર ડોક્ટર, સ્ટાફ નર્સ ચકુ અને ગ્રાહકો લાવનાર એજન્ટ સામે આરોગ્ય વિભાગે કોર્ટની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અનેક જગ્યાએ ગર્ભ પરીક્ષણ થતુ હોવાની માહિતી આરોગ્ય વિભાગને મળતા જ આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. જો કે, હવે આ મામલે આરોગ્ય વિભાગ આ ઝુંબેશ ચાલુ રાખશે અને ગર્ભ પરીક્ષણ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરશે તેમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.