- બનાસકાંઠામાં નર્મદાવિભાગના અધિકારીઓની બેદરકારી
- ખેડૂતોને સિંચાઇ માટે નર્મદાનું પાણી નથી મળતું
- કેનાલની સફાઈ કરવા દર વર્ષે ગ્રાન્ટ આવે છે.
પાલનપુર: સરહદી વિસ્તારના એવા અનેક ગામડાઓ છે કે, જ્યાં નર્મદાનું પાણી પહોંચતું નથી. જેના કારણે ખેડૂતો ખેતી પણ કરી શકતા નથી અને જ્યાં નર્મદાનું પાણી પહોંચે છે ત્યાં નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા કેનાલની સફાઈ ન કરવામાં આવતાં ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી વાવ તાલુકાના રામપુરા ગામના 30 જેટલા ખેડૂતોએ છેલ્લા ત્રણ દિવસથી જાતે કેનાલ સફાઈ કરી છે. એક બાજુ રવિ પાકની સીઝનની ખેડૂતો તૈયારીઓ કરી રહ્યા છે અને બીજી બાજુ નર્મદા વિભાગ દ્વારા પાણી મળતું નથી જેથી કરીને ખેડૂતોને સૂડી વચ્ચે સોપારી જેવો ઘાટ ઘડાયો છે.
- ખેડૂતોને સિંચાઇ માટે નર્મદાનું પાણી નથી મળતું
બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકના ગામડાઓમાં પાણી માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે. વાવ તાલુકાના રામપુરા ગામના ખેડૂતો છેલ્લા ત્રણ દિવસથી કેનાલ સફાઇ કરે છે અને પાણી માટે રાતદિવસ કેનાલ પર બેસી રહે છે. રામપુરા ગામના ખેડૂતોએ અનેકવાર નર્મદાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. ખેડૂતોએ તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે એવી માગ કરી છે..
- કેનાલની સફાઈ કરવા દર વર્ષે ગ્રાન્ટ આવે છે
બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નહેરની સફાઈ કરવામાં આવતી નથી અને નર્મદાનું પાણી નહેરમાં છોડવામાં આવતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે ક્યાંક સફાઈ ન કરવાના કારણે નહેરો તૂટી પણ જતી હોય છે જેના કારણે ખેડૂતોને પોતાના પાકને લઈ મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. સરકાર દ્વારા શહેરની સફાઈ માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જેથી ખેડૂતોના ખેતરો સુધી સારી રીતે પાણી પહોંચે એને ખેડૂતોને સારી ખેતી કરી આવક મેળવી શકે પરંતુ આજે પણ બનાસકાંઠામાં સરહદી વિસ્તારોમાં કેટલીય કેનાલોમાં સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવે છે જેથી કેનાલો પણ તુટવા લાગે છે.