બનાસકાંઠાના ડીસામાં ખાતરની રેક શરૂ કરવા જિલ્લાના ખાતરના વેપારીઓ અને ખેડૂતો દ્વારા સરકાર અને ખાતરની કંપનીઓ પાસે માગ કરાઈ હતી. જે રેક ડીસા રેલવે પોઇન્ટ પર આવતા વેપારીઓ અને એરીયા મેનેજર દ્વારા વધાવી લેવામાં આવી હતી.
આ રેકમાં 26,000 બેગ ખાતર આવ્યું હતું. જે ખાતર સરદાર કંપનીનું DAP અને NPK હતું. જે ખેડૂતોના પાક માટે જીવાદોરી સમાન છે. આ બાબતે કંપનીના સિનિયર એરીયા મેનેજર પી.એમ.પટેેલે જણાવ્યું હતું કે, ખેડૂતો અને વેપારીઓની માગ હતી. જેમા કંપની અને સરકારે પૂર્ણ કરી છે.
ડીસા રેલવે પોઇન્ટ પર રેક શરૂ કરાઇ છે. શરૂ થતા ત્રણથી ચાર લાખનો સરકારને ટ્રાન્સપોર્ટ ભાડામાં ફાયદો થશે. પહેલા મહેસાણા અને સિદ્ધપુરથી ખાતર બનાસકાંઠામાં સપ્લાય કરવામાં આવતું હતું. હવેથી ડીસામાં આ ખાતરનું સપ્લાય થશે. જેથી ખેડૂતો અને વેપારીઓમાં ખુશી જોવા મળી હતી.
રેક શરૂ થતા ખાતરના વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. સરકાર અને કંપની પાસે ખેડૂતોને ઝડપી ખાતર મળી રહે તે માટે ડીસા રેલવે રેક પોઇન્ટ શરૂ કરવા માગ કરાઈ હતી. જે આજે પૂર્ણ થઈ છે. હવે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ઝડપી ખાતર મળી રહેશે.
પહેલા આ ખાતર વેપારીઓને સિધ્ધપુર અને મહેસાણાથી સમયસર ન મળતા ખેડૂતોને પાકને નુકસાન થતું હતું. ત્યારે હવે આ રેક શરૂ થતાં ખેડૂતોને સમયસર ખાતર મળી રહેશે. જો કે આ રેક રોજ માટે શરૂ રહે તેવી ખેડૂતો અને વેપારીઓની આશા છે. હાલ પહેલી વાર ડીસા રેલવે પર રેક આવતા ખાતરને વેપારીઓએ વધાવી લીધું હતું.