- ધાનેરામાં કોંગ્રેસના 15 નગરસેવક સસ્પેન્ડ
- ધાનેરા નગરપાલિકામાં પ્રમુખ માટે ચૂંટણી યોજાઈ
- ભાજપની બન્ને મહિલાઓને 6-6 સભ્યોએ ટેકો આપ્યો
બનાસકાંઠા : ધાનેરા નગરપાલિકાના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન અનેકવાર વિખવાદ સર્જાયો છે. જ્યારથી ધાનેરા નગર પાલિકામાં કોંગ્રેસને સુશાસન આવે છે. ત્યારે ભ્રષ્ટાચારના મુદ્દે અનેકવાર કોંગ્રેસના નગરસેવકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ધાનેરા નગરપાલિકામાં કોંગ્રેસના 15 સભ્યો અને ભાજપના સભ્યો છે. પરંતુ અત્યારસુધી નગરપાલિકાના શાસનકાળ દરમિયાન ભાજપ દ્વારા કોંગ્રેસની અનેકવાર બોડી ઉથલાવી દેવામાં આવી છે. ત્યારે ગઇકાલે પણ ભ્રષ્ટાચારના મુદ્દે ફરી એકવાર ધાનેરા નગરપાલિકામાં કોંગ્રેસના 15 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસના 15 સભ્યોને સસ્પેન્ડ કરતાં ભાજપની બહુમતિ
ધાનેરા નગરપાલિકાના પ્રમુખ જગલબેન ઠાકોરનું અવસાન થતાં આજે પ્રમુખપદ માટેની ચૂંટણી યોજાઇ હતી. જોકે, તે પહેલા જ ભાજપે કોંગ્રેસનો ખેલ પાડી દીધો હતો. ગઈકાલે વિકાસમાં ગેરરીતિના મુદ્દે વિકાસ કમિશ્નરે કોંગ્રેસના 15 સભ્યોને સસ્પેન્ડ કરતાં ભાજપની બહુમતિ થઈ ગઈ હતી. આજે શનિવારે ધાનેરા નાયબ કલેક્ટર યોગેશ વ્યાસના અધ્યક્ષ સ્થાને પ્રમુખપદ માટેની ચૂંટણીની શરૂઆત કરવામાં આવી હતી.
ચિઠ્ઠી બનાવી ઉછાળી ધાનેરા નગરપાલિકાના નવા પ્રમુખ બન્યા
ધાનેરા નગર પાલિકાની યોજાયેલી ચૂંટણીમાં આજે ભાજપની જ બે મહિલાઓ જ્યોત્સના ત્રિવેદી અને કિરણ સોની ફોર્મ ભરતા બન્નેને 6-6 સભ્યોનો ટેકો મળતા ટાઇ પડી હતી. બન્નેના નામની ચિઠ્ઠી બનાવી ઉલાડતા કિરણબેન સોનીનું નામ નીકળતા તેઓ ધાનેરા નગરપાલિકાના નવા પ્રમુખ બન્યા હતા.
ચૂંટણીમાં ભાજપનો આંતરિક વિખવાદ
ધાનેરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો આંતરિક વિખવાદ પણ સામે આવ્યો હતો. જ્યોત્સનાબેન ત્રિવેદીને પ્રમુખ બનાવવા માટે તેમના પતિ યોગેશ ત્રિવેદીએ ભાજપના જ સભ્યો પર ગાડી ઉઠાવી જવાના પ્રયાસો કર્યા હોવાના ગંભીર આક્ષેપો ભાજપના સદસ્ય ઉમાકાન્તભાઈ મિસ્ત્રીએ કર્યા હતા.
ભાજપના 2 ભાગલા પડી ગયા
ધાનેરા નગરપાલિકામાં કોંગ્રેસના એક પણ સદસ્ય નથી અને ભાજપ સત્તા સ્થાને આવી છે. જોકે, ભાજપમાં પણ હવે આંતરિક વિખવાદ ચરમસીમાએ હોવાથી અત્યારે ભાજપમાં રીતસર બે ભાગલા પડી ગયા છે.