- ડીસા તાલુકાના મૂડેઠા ગામના પ્રજ્ઞાચક્ષુ યુવકની અનોખી પહેલ
- આંખે દેખાતું ન હોવા છતાં પરિવારનું ગુજરાન ચલાવે છે
- આત્મનિર્ભર બની રંગબેરંગી ખાટલા ભરવાની શરૂઆત કરી
- અન્ય યુવક માટે હાલ પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યો છે યુવક
- પરિવારના સભ્યો પાસેથી યૂટ્યુબમાં ઓનલાઈન ખાટલા ભરવાની પદ્ધતિ જાણી
- મુડેઠા ગામના પ્રજ્ઞાચક્ષુ યુવકની અનોખી કહાની
બનાસકાંઠાઃ જિલ્લામાં મુડેઠા ગામના જોષીપુરામાં જોષી પરિવારમાં 35 વર્ષ પહેલા દશરથભાઈ જોશીનો જન્મ થયો હતો. જોકે, જન્મથી જ દશરથભાઈને આંખમાં થોડી તકલીફ હોવાનું પરિવારને જાણવા મળતા તેઓ નિરાશ થયા હતા, પરંતુ પરિવારે તેમની આંખોની સારવાર પણ કરાવી હતી. તે વખતે દશરથભાઈને માત્ર 10 ટકા જેટલું દેખાતું હતું. જોકે, સમય જતાં તેઓ સ્કૂલમાં અભ્યાસ માટે ગયા. તેઓ ભણવામાં પણ ખૂબ હોશિયાર હતા, પરંતુ આંખોમાં રોશની ન હોવાના કારણે માત્ર 7 ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા. ત્યારબાદ તેમના લગ્ન થયા અને અત્યારે તેમને ત્રણ બાળકો પણ છે.
યુવકની આંખોની રોશની બંધ થઈ ગઈ
સમય જતાં તેમને દેખાવાનું બંધ થઈ ગયું તેમ જ છેલ્લા 3-4 વર્ષથી તો બિલકુલ દેખાવાનું બંધ થઈ ગયું હતું. તેમને 100 ટકા દેખાવાનું બંધ થતા એક સૂરદાસ જેવી પરિસ્થિતિ સર્જાઈ. ત્યારે પરિવારજનોમાં દુઃખની લાગણી છવાઈ હતી, પરંતુ દશરથભાઈએ હાર ન માની અને પોતાના માતાપિતા સહિત પોતાના પરિવારને હિંમત આપી તેમ જ તેમના બાળકો અને પત્ની સાથેના પરિવારની રોજી રોટી મેળવવા એક નવો રસ્તો શોધી કાઢ્યો. નાનપણમાં દશરથભાઈને ગાવાનો અને ખાટલા ભરવાનો શોખ હતો ત્યારે તેમણે ગાયક તરીકે થોડી મહેનત કરી પણ કિસ્મતે સાથ ન આપ્યો ત્યારે ઘરની જવાબદારી માથે હતી.
યુ-ટ્યૂબના માધ્યમથી આવકની શરૂઆત થઈ
પરિવારના ભરણપોષણ માટે તેમને તેમના નાના ભાઈ સાથે યુ-ટ્યૂબમાં ઓનલાઈન ખાટલા ભરવાની પદ્ધતિ જાણી અને મોબાઈલમાં માત્ર અવાજ સાંભળી ખાટલા ભરવાની શરૂઆત કરી, જેમાં તેમને સફળતા મળી અને આજે તેઓ રંગબેરંગી ખાટલા ભરી રહ્યા છે. ખાટલામાં નામ લખવું, અલગઅલગ ડિઝાઇન બનાવવાની કળા જોઈ અનેક ખાટલા હાલ લોકો ખરીદી રહ્યા છે. કોઈનો પણ બોજ બન્યા વગર આજ દશરથભાઈ આત્મનિર્ભર બન્યા છે.
પ્રજ્ઞાચક્ષુ યુવક આત્મનિર્ભર બન્યો
આત્મનિર્ભર બનવાની વાતો વચ્ચે એક પ્રજ્ઞાચક્ષુ યુવક પોતે આત્મનિર્ભર બની લોકો માટે પ્રેરણારૂપ બન્યો છે. દશરથભાઈને તેમના માતાપિતા, પત્ની સહિત ભાઈઓનો ખૂબ સહકાર મળ્યો છે. તેમના પરિવાર જનો તેમની પડખે રહીને તેમની મદદ કરી રહ્યા છે. દશરથભાઈ યોગા તેમ જ ધ્યાન નિયમિત કરે છે. સાથેસાથે પોતાના ખેતરમાં પશુપાલન માટે પરિવારના સહયોગથી મદદ પણ કરી રહ્યા છે. દશરથભાઈના નાના ભાઈ કનુભાઈએ જણાવ્યું હતું કે, દશરથભાઈને આંખોની તકલીફ થતા અને ચિંતામાં મૂકાયા હતા, પરંતુ દશરથભાઈ એમને હિંમત આપી અને આ મુશ્કેલીમાં હું જાતે આત્મ નિર્ભર બની જીવન પસાર કરીશની વાત કરી અને પોતાની મહેનતથી આજે તેઓ ખાટલા ભરવાનું કામ કરી રહ્યા છે. આનાથી અમારા પરિવારમાં પણ ખૂબ ખુશી છે.
પરિવાર તરફથી પણ આ યુવકને સાથ સહકાર મળે છે
દશરથભાઈ આમ તો જન્મથી જ 80થી 90 ટકા અંધ હતા. થોડી રોશનીથી તેઓ જોઈ શકતા હતા, પરંતુ છેલ્લા 5 વર્ષથી તેમને દેખાવાનું બિલકુલ બંધ થઈ ગયું હતું. તેમના પિતા ધૂડાભાઈએ જણાવ્યું હતું કે, મારા ઘરના મોભી દીકરાને આંખોની તકલીફ આવતા હું નિરાશ થઈ ગયો હતો, પરંતુ મારા દીકરાએ મને હિંમત આપી, જેનાથી અમે તેને મદદ કરી આજે તે ખાટલા ભરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. તેની અમને ખુશી છે.
અન્ય લોકો આ યુવકને મદદ કરે તેવી માગ
આંખોની રોશની વગર પણ જીવન પસાર કરતા અને આત્મનિર્ભર બની પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા દશરથભાઈને ગાવાનો પણ ખૂબ શોખ છે. કુદરતે તેમને સારો અવાજ આપ્યો છે, પરંતુ હજી સુધી કોઈ સારું પ્લેટફોર્મ તેમને મળ્યું નથી. તેમની એક અપીલ પણ છે કે, ગાવા માટે તેમને કોઈ સંસ્થા કે લોકો મદદ કરે તો તેઓ તેમનું સપનું સાકાર કરી શકે તેમ છે.