ડીસાઃ ચોમાસામાં રોગચાળાનું પ્રમાણ વધી જાય છે. આ સ્થિતિમાં ઠંડા પીણા અને અખાદ્ય પદાર્થોનું સેવન થાય તો નાગરિકો બિમારીમાં સપડાઈ જાય છે. આ પરિસ્થિતિ ટાળવા આજે ડીસા શહેરમાં આરોગ્ય વિભાગે 312 ખાણીપીણી વેપારી પર દરોડા પાડી સપાટો બોલાવ્યો છે. આરોગ્ય વિભાગ ઉપરાંત, ડીસા નગરપાલિકા અને પોલીસ દ્વારા અલગ અલગ 11 ટીમો બનાવવામાં આવી હતી. આ 11 ટીમોએ ખાણીપીણી વેચતા વેપારીઓ પર તવાઈ લાવી હતી.
અખાદ્ય પદાર્થોનો નાશ કરાયોઃ આ ટીમોએ શહેરમાં ઠંડા પીણા, ફરસાણ, નાસ્તાની લારીઓ, મીઠાઈની દુકાનો, હોટલો, પાર્લર સહિત તમામ જગ્યાએ તપાસ કરી હતી. જેમાં કેટલીક જગ્યાએ ડેરીમાં વેચાતા દૂધમાં જીવજંતુઓ, ફરસાણની દુકાનમાં લાંબા સમયથી પડી રહેલી ખાદ્ય વસ્તુઓ, વારંવાર ફરસાણ તળતા બળેલું તેલ તેમજ એક્સપાયરી ડેટ વાળી ચીજ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ ઝડપાયા છે.
અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે. ઠેર-ઠેર ગંદકી જોવા મળતી હોય છે. તેથી રોગચાળો ફેલાય છે આ પરિસ્થિતિ ટાળવા આજે ડીસા પોલીસ અને નગરપાલિકાના સહયોગથી આરોગ્ય વિભાગ દ્વારા લારી ગલ્લા અને ખાણીપીણીની દુકાનો પર તપાસ કરવામાં આવી હતી. જ્યાં સ્વચ્છતા, એક્સપાયરી ડેટ માલ તેમજ સ્કૂલની આજુબાજુ પાન મસાલા વેચતા લોકોને આરોગ્ય વિભાગ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. અખાદ્ય પદાર્થોનો નાશ કરાવવામાં આવ્યો હતો. જેમાં કુલ 312 જેટલી જગ્યાએ તપાસ કરવામાં આવી હતી અને 26,700 નો કુલ દંડ વસૂલવામાં આવ્યો છે...પી. એમ. ચૌધરી(તાલુકા હેલ્થ ઓફીસર,ડીસા)
કુલ રૂ. 26,700નો દંડ વસૂલાયોઃ જ્યાં દરોડા પાડ્યા ત્યાં મોટા ભાગની દુકાનોમાં લાયસન્સ પણ ન હતા. જેથી અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને તંત્રની ટીમોએ રૂપિયા 500 થી 5000 રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો હતો. તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓને નોટિસ ફટકારી કડક કાર્યવાહી કરી હતી.તો બીજી તરફ શાળાની બાજુમાં ગુટખાનું વેચાણ કરતા દુકાનદારો પાસેથી તમામ મુદ્દામાલ જપ્ત કરી દંડ ફટકાર્યો હતો.આમ, આરોગ્ય વિભાગ દ્વારા 11 વોર્ડમાં 11 જેટલી ટીમોએ કુલ 312 જેટલા દુકાનદારો પાસેથી રૂ. 26,700નો દંડ વસુલ્યો હતો. તંત્રની કાર્યવાહી ને પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.