સરહદી બનાસકાંઠા જીલ્લામાં આરોગ્ય લક્ષી સુવિધા સુદ્રઢ બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ બની છે અને આજે એટલે કે સોમવારના રોજ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે 150 લાખના ખર્ચે ડાયાલીસીસ સેન્ટરનું સ્થાનિક ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ડીસામાં લોકાર્પણ થયેલા ડાયાલીસીસ સેન્ટરમાં ડાયાલીસીસના 20 યુનિટ મૂકવામાં આવ્યા છે અને આ સેન્ટરમાં દરરોજના 20 જેટલા દર્દીઓને સુવિધાનો લાભ મળી રહેશે. ડીસામાં પ્રથમ વાર શરૂ થયેલા સરકારી ડાયાલીસીસ સેન્ટરનો ગરીબ દર્દીઓને મોટો લાભ થશે અને દર્દીઓને ડાયાલીસીસની સુવિધા મેળવવા માટે હવેથી દૂર સુધી લાંબા થવું નહીં પડે.
ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે આજે જ લોકો માટે ખુલ્લા મુકાયેલા ડાયાલીસીસ સેન્ટરનો લોકો પ્રથમ દિવસથી લાભ લેવા માંડ્યા છે અને આ સુવિધાને લઈ દર્દીઓ જણાવી રહ્યા છે કે, ડાયાલીસીસની મોંઘી સારવાર લેવા માટે તેમણે દૂર દૂર સુધી લાંબા થવું પડતું હતું. પરંતુ હવેથી તેમણે ઘર આંગણે જ આ સુવિધા મળતી થતાં સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ડીસામાં સરકારી ડાયાલીસીસ સેન્ટરની શરૂઆત થતાં કિડની ફેલ્યરના હજારો દર્દીઓને તેનો લાભ મળી શકશે. આ ઉપરાંત ડીસાની સરકારી હોસ્પિટલમાં કાર્ડ માટે એક અલગ કેન્દ્ર શરૂ કરવામાં આવનાર છે. જેથી બહારથી સારવાર માટે આવતા દર્દીઓને ભાડાનું વળતર પણ મળી શકશે.