- બનાસકાંઠા જિલ્લામાં શિયાળુ શાકભાજીના વાવેતરમાં વધારો
- બજારોમાં નવી શાકભાજીની આવકમાં વધારો
- શાકભાજીના ભાવમાં ઘટાડો
બનાસકાંઠા : બનાસકાંઠા મોટા ભાગે ખેતી આધારિત જિલ્લો માનવામાં આવે છે. દર વર્ષે ખેડૂતો શિયાળાની શરૂઆત થતાં જ શાકભાજીના વાવેતરની શરૂઆત કરી દેતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ પોતાના પાકમાં સારી આવકની આશા એ મોટા પ્રમાણમાં લીલાં શાકભાજીનું વાવેતર કર્યું હતું. પરંતુ ખેડૂતોને ખબર ન હતી કે, બજારોમાં શાકભાજીની આવક વધતા ભાવમાં ઘટાડો થશે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે સૌથી વધુ બટાટા, લીલી ડુંગળી, ફુલાવર, કોબીજ જેવા પાકોનું ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. ચાલુ વર્ષે બિયારણના ભાવ ઊંચા હોવા છતાં પણ ખેડૂતોને નફો થશે તેવી આશા હતી. જેના કારણે ખેડૂતોએ ચાર મહિના સુધી પોતાના ખેતરમાં રાત દિવસ મહેનત કરી શાકભાજીનું વાવેતર કર્યું હતું.
શાકભાજીની આવકમાં સતત વધારો
બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે શિયાળાની શરૂઆત થતાં જ બજારો લીલા શાકભાજીથી ઉભરાઈ જતી હોય છે. ચાલુ વર્ષે પણ ખેડૂતોએ લીલા શાકભાજીનું મોટા પ્રમાણમાં વાવેતર કરી દેતા હાલ બનાસકાંઠા જિલ્લાની માર્કેટ યાર્ડ લીલા શાકભાજીથી ઉભરાઇ રહી છે. સવારથી જ બનાસકાંઠા જિલ્લાની શાકભાજીની બજારોમાં ખેડૂતો મોટી સંખ્યામાં લીલા શાકભાજી લઇ વેચતા નજરે પડી રહ્યા છે. જેના કારણે હાલ શાકભાજીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. વેપારીઓને પણ હાલમાં શાકભાજી ક્યાં રાખવું તે મોટો પ્રશ્ન ઉભો થયો છે. જેના કારણે વેપારીઓ હાલ ખેડૂતો પાસેથી શાકભાજી ઓછી ખરીદવાનું શરૂ કર્યું છે. સતત શાકભાજી વધતા હાલ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ખેડૂતોએ શાકભાજી ગૌશાળામાં નાખવાની ફરજ
દિવસેને દિવસે બનાસકાંઠા જિલ્લાની બજારોમાં શાકભાજીના આવકમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે હાલ શાકભાજી માર્કેટના વેપારીઓએ ખેડૂતો પાસેથી શાકભાજી ઓછી સંખ્યામાં ખરીદવાનું શરૂ કર્યું છે. બહારના જિલ્લાઓમાં શાકભાજીની માંગ ઓછી હોવાના કારણે વેપારીઓ હાલ બજારોમાં ખેડૂતો પાસેથી ઓછા પ્રમાણમાં શાકભાજીની ખરીદી કરી રહ્યા છે. તો આ તરફ ખેડૂતોએ પણ સારા ભાવની આશાએ પોતાના ખેતરમાં મોટા પ્રમાણમાં શાકભાજીનું વાવેતર કરી દીધું છે. પરંતુ તેની સામે ખરીદી ઓછી હોવાના કારણે હાલ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવે છે. ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલો પાક રોજેરોજ વેચવાની ફરજ પડી રહી છે અને વધેલો તમામ શાકભાજી હાલ ખેડૂતો બનાસકાંઠા જિલ્લાની ગૌશાળામાં ગાયોને ખવડાવી રહ્યા છે. ડીસાના માલગઢ ગામ ખાતે આવેલ રાજારામ ગૌશાળામાં રોજના 5 થી પણ વધુ ટ્રેક્ટરો ખેડૂતો લીલા શાકભાજીના લઈને ગાયોને ખવડાવવા માટે આવી રહ્યા છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે, હાલમાં જે પ્રમાણે બજારોમાં લીલા શાકભાજીની માંગ ઘટી છે. તેના કારણે હાલ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પોતાની લીલી શાકભાજી ગૌશાળામાં ગાયોને ખવડાવવા માટે ફરજ પડી રહી છે.