બનાસકાંઠાઃ ડીસાના મોચીવાસ વિસ્તારમાં રહેતા પ્રકાશ સોલંકી નામના 38 વર્ષીય યુવકને બુધવારે વહેલી સવારે પેટમાં દુખાવો ઉપડતાં તેના પરિવારજનો તેને લઈને ડીસાની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જો કે આ લોકો વિસ્તાર કન્ટેન્ટમેન્ટ એરિયામાં આવતો હોવાના કારણે સિવિલ હોસ્પિટલમાં હાજર રહેલા સ્ટાફે તેની સારવાર કરવાની ના પાડી દીધી હતી. જેથી આ યુવકનો પરિવાર તેને લઈને ડૉ. ભરત મકવાણાની હૉસ્પીટલમાં પહોંચ્યો હતો. પરંતુ ત્યાં પણ તબીબે કોઈ જ સારવાર ન કરતા અન્ય એક ખાનગી હોસ્પિટલમાં ડૉક્ટર રવિ પટેલને ત્યાં પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પણ સારવાર મળી ન હતી.
આ પરિવાર જેજે હોસ્પિટલમાં ગયા ત્યાના હાજર રહેલા તબીબો કે સ્ટાફે કન્ટેન્ટમેન્ટ એરિયો આવતો હોવાના કારણે સારવાર કરવાનો ઇન્કાર કર્યો હતો, જેના કારણે ત્રણ-ત્રણ કલાક સુધી એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં રજળવા કારણે અને સારવાર ન મળવાને કારણે આ યુવકે રસ્તામાં દમ તોડી દીધો હતો.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અઠવાડિયા અગાઉ જ તમામ ખાનગી હોસ્પિટલો ચાલુ રાખવા અને હોસ્પિટલમાં આવતા દર્દીઓની સારવાર કરવા માટે સૂચના આપી હતી અને જો દર્દીઓની સારવાર ન કરી અથવા તો બેદરકારી દખાવી તો તે હોસ્પિટલનું રજિસ્ટ્રેશન રદ કરવા સુધીની પણ ચીમકી ઉચ્ચારી હતી.
તેમ છતાં આ પીડાદારક યુવકને ડીસાની કોઈ જ ખાનગી હોસ્પિટલમાં સારવાર ન મળતા આખરે આ યુવકનું મોત થયું છે. ત્રણ દીકરીઓના પિતાનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તેવામાં આવી લાપરવાહી દાખવતા સરકારી અને ખાનગી ડોક્ટરો સામે કડક કાર્યવાહી થાય તેવી મૃતકના પરિવારજનોની માગણી છે.