- બનાસકાંઠા જિલ્લામાં વધી રહી છે હત્યાની ઘટના
- ડીસામાં બનાસનદીના પટમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
- મૃતક યુવક ખાનગી હૉસ્પિટલમાં કરતો હતો જૉબ
- મૃતકના પરિજનોએ હત્યાની આશંકા જતાવી
- ડીસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
બનાસકાંઠાઃ જિલ્લામાં ગુનાહિત ઘટનાઓમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. છેલ્લા દસ દિવસમાં સૌથી વધુ હત્યાના બનાવો ડીસા તાલુકામાં જોવા મળી રહ્યા છે. આ હત્યા પાછળનું કારણ ક્યાંક પૈસાની લેતીદેતી તો ક્યાંક પ્રેમ પ્રકરણ જોવા મળી રહ્યું છે. ત્યારે વધુ એક શંકાસ્પદ હત્યાનો બનાવ ડીસાની બનાસનદીના પટમાં બન્યો હતો.
ડીસાના શિવનગર વિસ્તારમાં રહેતો સુરેશ પ્રવિણભાઈ બારોટ જે ડીસાની ખાનગી હૉસ્પિટલના ડૉક્ટર પ્રવીણભાઈ ઠક્કરની ત્યાં નોકરી કરતો હતો. જે ગત મોડી સાંજે પોતાના ઘરેથી જોબ પર જઈ રહ્યો છે તેવું કહી હૉસ્પિટલ પહોંચ્યો હતો. જે બાદ રાત્રીના 9 વાગ્યાના સુમારે હૉસ્પિટલના સ્ટાફને પોતે કંઈક કામથી બહાર જઈ રહ્યો છે તેવી જાણ કરી હૉસ્પિટલથી નીકળ્યો હતો.
સુરેશ સવાર સુધી ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. જ્યાં બપોર સુધી સુરેશની કોઈ ભાળ ન મળતા આખરે આ બાબતે પરિવારજનોએ ડીસા તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી. જે બાદ બપોરના સમયે કોઈ અજાણ્યા યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ બનાસનદીના પટમાં પડ્યો છે તેવી જાણ થતા જ સુરેશનો પરિવાર ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટના સ્થળે પહોંચતા જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે આ યુવક પરિવારનો દીકરો સુરેશ જ હતો.
પરિવારના એકના એક દીકરાની આ રીતે હત્યા થયેલી હાલતમાં મૃતદેહ જોતા પિતા પર મોટી આફત આવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પોતાના પુત્રનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવારજનોએ તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો અને ડીસા સિવિલ હૉસ્પિટલ ખાતે પી.એમ. અર્થે ખસેડ્યો હતો.
પરિવારના જણાવ્યા મુજબ પોતાના દીકરાની હત્યા થઈ છે અને તે જે હોસ્પિટલમાં જોબ કરતો હતો તેના મેનેજર દ્વારા જ આ હત્યા કરાઈ હોવાનું જણાવ્યું હતું. ત્યારે તાત્કાલિક ધોરણે પોતાના પુત્રના હત્યારાઓને ઝડપી પાડવા પરિવારજનોએ માગ કરી હતી. ડીસા તાલુકા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે ખાનગી હૉસ્પિટલના ડૉક્ટરને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, સુરેશ છેલ્લા ઘણા સમયથી અમારી હૉસ્પિટલમાં નોકરી કરતો હતો. જે ગત સાંજે હૉસ્પિટલમાં સ્ટાફને જાણ કરી બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ સવારે સ્ટાફે જણાવ્યું હતું કે, સુરેશ નોકરી પર નહીં આવે. જેથી ડૉક્ટરે સુરેશની તપાસ કરી હતી. પરંતુ ડૉક્ટરને સુરેશનો મૃતદેહ મળી હોવાની જાણ થતાં તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
ડીસા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી હત્યા અને આત્મહત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. લોકો આજે કોઈપણ જાતની અંગત અદાવતમાં મોટી-મોટી ગુનાહિત પ્રવૃત્તિઓની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે સતત વધી રહેલા હત્યાના બનાવોથી હાલ ડીસા શહેરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે તાત્કાલિક ધોરણે પોલીસ ગુનેગારોને કડક સજા કરે તો આવનાર સમયમાં ગુનાહિત પ્રવૃતિઓની ઘટનાઓ ઓછી થઈ શકે.