બનાસકાંઠાઃ સરકારે અલગ-અલગ રાજ્યોમાં ફસાયેલા પરપ્રાંતીય લોકોને પોતાના વતન જવાની છૂટ આપતાં જ આજે બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર પર રાજસ્થાનમાં પ્રવેશ મેળવવા માટે લોકોની લાંબી કતારો લાગી ગઇ હતી. અલગ-અલગ રાજ્યોમાંથી પોતાના વતન રાજસ્થાનમાં પ્રવેશ મેળવવા માટે લોકોએ કલાકો સુધી લાઈનમાં ઉભુ રહેવું પડ્યું હતું.
લોકડાઉન થતાં જ સમગ્ર દેશમાં અલગ-અલગ રાજ્યોમાં પરપ્રાંતીય લોકો ફસાઇ ગયા હતા. ખાસ કરીને યુપી અને રાજસ્થાનના લાખોની સંખ્યામાં લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં ધંધાર્થે સ્થાયી થયા હતા, પરંતુ લોકડાઉન થતાં જ આવા તમામ લોકો પોતાના વતનથી હજારો કિલોમીટર દૂર ફસાઈ પડ્યા હતા.
જો કે, સરકારે હવે આ તમામ પરપ્રાંતીય લોકોને પોતાના વતનમાં જવા માટે છૂટ આપતાં જ બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર પર રાજસ્થાનમાં પ્રવેશ મેળવવા માટે લોકોની લાંબી કતારો લાગી ગઇ હતી.
મહારાષ્ટ્ર અને ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં અનેક રાજસ્થાની અને યુપીના લોકો અહીં સ્થાયી થયા હતા. ત્યારબાદ ગઇકાલથી જ આ તમામ લોકો પોતાના વતન જવા માટે નિકળ્યા છે.જે તમામ લોકોને ગુજરાતની અમીરગઢ બોર્ડર પર આરોગ્યની ચકાસણી કર્યા બાદ જ રાજસ્થાનમાં પ્રવેશ આપવામાં આવે છે. જેના કારણે હજારોની સંખ્યામાં ઉમટી પડેલા લોકોના કારણે અહીં અમીરગઢ બોર્ડર પર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઇ હતી.
રાજસ્થાની અને યુપીના લોકો અમીરગઢ બોર્ડર પર આવતા જ લાંબી લાંબી કતારોમાં કલાકો સુધી ઊભા રહેવું પડ્યું હતું. સરકારે તમામ લોકોને પોતાના વતનમાં આવવાની છૂટ તો આપી છે, પરંતુ સાથે સાથે કોરોના વાઇરસ વધુના ફેલાય અને કોરોના વાઇરસથી અન્ય લોકો સંક્રમિત ન થાય તે માટે તમામની આરોગ્યની તપાસ કર્યા બાદ જ પોતાના રાજ્યમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, ત્યારે ગુજરાતની અમીરગઢ બોર્ડર પર પણ રાજસ્થાનમાં પ્રવેશ મેળવનાર તમામ લોકોનું બીપી, ટેમ્પરેચર અને સ્ક્રિનીંગ સહિત આરોગ્યની તપાસ કર્યા બાદ જ રાજસ્થાનમાં પ્રવેશ આપવામાં આવશે અને ત્યાં પણ ચૌદ દિવસ સુધી બહારથી આવેલા તમામ લોકોને હોમ કોરેન્ટાઇન કરવામાં આવશે.
ગુજરાતની અમીરગઢ બોર્ડર પર આજે સવારથી જ રાજસ્થાન, યુપી જતા હજારો લોકો લાંબી કતારોમાં જોવા મળ્યા હતા,ત્યારે આરોગ્ય વિભાગ તેઓને જલ્દી તપાસ કરી કરીને જલ્દી વતન જવા રવાના કરે તેવી વતન વાપસી કરતા લોકો મિટ માંડીને બેઠા છે.