દરેક મુસ્લિમ બંધુઓ પોતાના જીવન દરમિયાન એકવાર હજયાત્રા કરે તેવી કામના રાખતા હોય છે. તેવામાં વડગામના બસુ ગામમાં 100થી વધારે લોકોએ હજયાત્રા માટે પરસેવાની કમાણી એકત્ર કરી મુંબઈ સ્થિત એન્ટરપ્રાઈઝના સંચાલક નૂરમોહમ્મદ દાઉઆ નામના ટૂર ઓપરેટરને આપી હતી. લોકોને આશા હતી કે પવિત્ર હજયાત્રા કરવાની તેમની ઈચ્છા પૂર્ણ થશે. પરંતુ બધુ સુનિશ્ચિત થઈ ગયા બાદ સંચાલકો મુંબઈ ઓફિસને તાળા મારી ગાયબ થઈ જતાં લોકોને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનો અહેસાસ થયો છે. જેના પગલે તેમણે પોલીસ મથકે પહોંચી છેતરપીંડીની ઘટના નોંધાવી છે.
અગાઉ પણ આલ્ફા એન્ટરપ્રાઈઝ દર વર્ષે હજયાત્રીઓને મક્કા મદીના લઈ જતો હતો, આ વર્ષે પણ વડગામના બસુ ગામે હજયાત્રાએ જવા ઈચ્છુક યાત્રીઓને વિશ્વાસમાં લઈ તેમની પાસે કુલ 2,30,000 પ્રતિ વ્યક્તિદીઠ ઉઘરાવ્યાં હતા. નાણાં આપેલા તમામને 25 જૂને યાત્રાએ લઈ જવાનો વાયદો કર્યો હતો, પરંતુ બાદમાં સમગ્ર ઘટના ઉજાગર થતાં અંતે આ ટોળકીનો ભાંડાફોડ થયો છે.
વડગામના બસુ ગામમાં 105 જેટલા વ્યક્તિ છેતરપીંડીનો ભોગ બન્યા છે. તમામના નાણાંની કિંમત કુલ મળી અઢી કરોડથી વધુ થાય છે. પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે નોંધેલી ફરિયાદમાં આરોપીઓના નામ નૂરમહમદ ઇબ્રાહિમ દાઉઆ, માજ નૂરમહમદ દાઉઆ, મોબીન નૂરમહમદ દાઉઆ, સોહિલ દાઉઆ હોવાનું જણાયું છે.