- જિલ્લામાં પશુઓની ગણતરી 31 ડિસેમ્બર સુધી પૂર્ણ થશે
- પશુપાલન વિભાગની 90 ટીમ કામે લાગી
- તમામ પશુપાલક તેમના પશુઓની ગણતરી કરાવે તેવી અપીલ
બનાસકાંઠાઃ જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા પશુઓનું ટેગિંગ હાથ ધરવામાં આવ્યું છે. પશુપાલન વિભાગે બનાસ ડેરીના સહયોગથી 28 લાખ જેટલાં પશુઓને બારકોડેડ કડી લગાવવા ખાસ ઝુંબેશ હાથ ધરી છે. ભારત સરકારના રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તમામ ગાય અને ભેંસ વર્ગના પશુઓને બારકોડેડ કડી લગાવી ટેગિંગ કરાશે. ખાસ કરીને ખરવા મુવાસા અને બ્રુસેના નામના રોગ પર નિયંત્રણ માટે રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા બનાસ ડેરીના સહયોગથી બનાસકાંઠા જિલ્લાના અંદાજીત 28 લાખ જેટલાં ગાય, ભેંસ વર્ગના પશુઓને ટેગિંગની કામગીરી આગામી 31/12/2020 સુધીમાં પૂર્ણ કરાશે.
નોંધણી INAPH સોફ્ટવેરમાં કરવામાં આવશે
પશુ ઓળખની નોંધણી INAPH સોફ્ટવેરમાં કરવામાં આવશે. જેના થકી ભવિષ્યમાં પશુ ઉત્પાદન આરોગ્ય અને રોગ અટકાયતી પગલાની માહિતી અપડેટ થશે. તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પશુ પેદાશોના પોષણક્ષમ ભાવો સાથે નિકાસ પણ સહેલાઈથી થશે. જેનો લાભ પશુપાલકોને મળશે. આ કામગીરીમાં અત્યારે બનાસકાંઠા જિલ્લા પશુપાલન વિભાગની 90 ટીમો કામે લાગી છે. જ્યારે બનાસડેરીના 1100 જેટલા કર્મચારીઓ પણ આ કામગીરીમાં જોડાયા છે અને માઈક્રો પ્લાનીંગ દ્વારા આ પશુઓને ટેગીંગની કામગીરી થશે. ત્યારે કોઇપણ પશુ આ બાર કોડેડની પ્રક્રિયામાં રહી ન જાય તે માટે બનાસકાંઠા જિલ્લા નાયબ પશુપાલન નિયામકે પશુપાલકોને અનુરોધ કર્યો છે.
ડીસામાં નવ ટીમ બનાવી સર્વે ચાલુ કરાયો
બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓમાં બનાસડેરી દ્વારા પશુ નોંધણી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ડીસા શહેરમાં પણ બનાસડેરીની નવ ટીમો બનાવી હાલમાં પશુ ગણતરીની કામગીરી ચાલુ કરવામાં આવી છે. ડીસા તાલુકો મોટા ભાગે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો તાલુકો છે. જે અંતર્ગત તમામ પશુઓની ગણતરી 31 નવેમ્બર સુધી ડીસા તાલુકાના ખેડૂતો કરાવે તેવી હાલ અપીલ કરવામાં આવી રહી છે.