બનાસકાઠાઃ જિલ્લાના ડીસા નગરપાલિકામાં શુક્રવારના રોજ બોર્ડની બેઠક મળી હતી, જે સાધારણ સભામાં વિપક્ષ નહી પરંતુ શાસક પક્ષના સદસ્યોએ જ વિપક્ષની ભૂમિકા ભજવતા ડીસા નગરપાલિકાની સાધારણ સભા ઉગ્ર બની હતી.
ડીસા નગરપાલિકામાં હંમેશા શાસક પક્ષ વિપક્ષની ભૂમિકામાં હોય છે, તેઓ સાધારણ સભા હોય કે કારોબારી સભા હોય તેમાં સ્પષ્ટ ફલિત થાય છે. ડીસા નગરપાલિકાની શુક્રવારે યોજાયેલી સાધારણ સભામાં શાસક પક્ષના નેતાઓએ પ્રમુખનો વિરોધ કરી તેમને ગત સાધારણ સભામાં કરેલા કામોને બહાલી આપવા બાબતે સદસ્યોએ વિરોધ દર્શાવ્યો હતો.
ભાજપના ચાર સદસ્યોનું કહેવું હતું કે, ગત સાધારણ સભામાં જે કામોને બહાલી આપવામાં આવી હતી, તે કામો હજુ પણ થયા નથી. જેના કારણે તેમના વિસ્તારના નાગરિકો તેમની સામે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ડીસા નગરપાલિકાની સાધારણ સભામાં આજે શાસક પક્ષ વિપક્ષની ભૂમિકામાં હોવાથી સાધારણ સભા ઉગ્ર બની હતી. જ્યારે વિપક્ષનું પણ માનવું છે કે, ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના બોર્ડમાં ભાજપના સભ્યો વિકાસની વાતો કરવાને બદલે અંદરોઅંદર લડી રહ્યા છે.
ડીસા નગરપાલિકાના સદસ્યો પૈકી ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા પણ સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાધારણ સભામાં ભાજપના સદસ્યોએ જે પ્રકારે પક્ષના કામગીરીનો વિરોધ કર્યો છે, તે મામલે ભાજપના સંગઠનને જાણ કરવામાં આવશે. તેમ જ તેમની સામે દંડાત્મક કાર્યવાહી થાય તે માટે રજૂઆત થશે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ભલે પક્ષમાં જૂથવાદ કરનારા લોકોને સાંખી લેવામાં નહીં આવે તેવી ધમકી આપતા હોય છે. પરંતુ ડીસા નગરપાલિકામાં ભાજપના જ સદસ્યો ભાજપ વિરુદ્ધમાં ખુલ્લેઆમ દેખાઈ રહ્યા છે.