- ડીસામાં જામશે ચૂંટણી જંગ
- ભાજપે ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ
- નગરપાલિકાની ચૂંટણીને લઈ લોકોમાં ઉત્સાહ
બનાસકાંઠાઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે ડીસામાં પણ ચૂંટણી યોજાવાની છે. આ વખતે પણ ભારે જંગ વચ્ચે ચૂંટણી યોજાવાની છે. દર વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નગરપાલિકાની ચૂંટણીમાં સીધો જંગ જામતો હતો, પરંતુ આ વખતે યોજાનારી નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે, જેના કારણે આ વર્ષે ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે. હાલમાં ડીસા નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપમાં અને કોંગ્રેસમાં ટિકિટને લઈ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.

ચૂંટણી કાર્યાલયને ધારાસભ્ય શશીકાંત પંડ્યાના હસ્તે ખુલ્લું મુકાયું
ડીસા નગરપાલિકાના ચૂંટણી જંગ માટે હવે આક્રમક પ્રચાર ઝુંબેશ શરૂ થઈ ગઈ છે અને વિવિધ વોર્ડમાં ચૂંટણી કાર્યાલય ખુલ્લા મુકાઈ રહ્યા છે, ત્યારે વોર્ડ 1 માં પણ શુક્રવારે ભાજપની પેનલના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરાયો હતો. ત્રણ હનુમાન મંદિર સામે શરૂ કરાયેલા ચૂંટણી કાર્યાલયને ધારાસભ્ય શશીકાંત પંડ્યાના હસ્તે ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે મગન માળી, કૈલાસ ગેલોત સહિત અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત રહી ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે પણ વોર્ડ 1 ના ચૂંટણી કાર્યાલયની મુલાકાત લઈ ચારેય ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી હતી. આ વખતે ભાજપે વોર્ડ નંબર એકમાંથી હાર્દિક જોશી, ચંદ્રિકાબેન રાણા, બબાજી વાઘેલા તેમજ નગરના ખૂબ પ્રતિષ્ઠિત સાંખલા પરિવારના કિશોર સાંખલાની દીકરી મૌસમ સાંખલાને મેદાનમાં ઉતારી જંગ પૂર્વે જ પોતાની સ્થિતિ મજબૂત બનાવી દીધી છે અને આ ચારેય ઉમેદવારોને ભારે આવકાર પણ મળી રહ્યો છે.

દરેક પક્ષના ઉમેદવારો અને મતદારોમાં ભારે ઉત્સાહ
ડીસા નગરપાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ લોકોમાં ઉત્સાહ વધી રહ્યો છે. ખાસ કરીને ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં દર વખતે ભારે ઉત્સાહ સાથે યોજાતી હોય છે. દરેક પક્ષના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે પ્રચાર માટે નીકળતા હોય છે તો બીજી તરફ લોકો પણ ચૂંટણીને લઇ દરેક વિસ્તારોમાં પ્રચાર કરતા નજરે પડી રહ્યા છે. આમ ડીસા નગરપાલિકાની ચૂંટણીને હવે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે હાલ સમગ્ર ડીસા શહેરમાં દરેક પક્ષના ઉમેદવારો અને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં કયો પક્ષ બાજી મારી જાય છે તે તો ચૂંટણી પરિણામ બાદ જ જોવા મળશે.