બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લો એટલે આમ તો પાણી માટે હેરાન-પરેશાન થતો જિલ્લો છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના એવા પણ વિસ્તારો છે જ્યાં વરસાદનું પાણી મહિનાઓ સુધી ભરાઈને પડ્યું રહે છે. જેના કારણે અનેક ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના થરાદ તાલુકાના નાગલા, ડોડગામ અને ખાનપુરની કે જ્યાં આ ત્રણેય ગામોમાં છેલ્લા 2015 થી લઈને આજ દિવસ સુધી પાણી સુકાયા નથી. છેલ્લા સાતથી આઠ વર્ષથી આ ત્રણે ગામના લોકો પાણી ભરાઈ રહીને પડી રહેવાના કારણે ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
પાણી ઓસર્યા નથીઃ વર્ષોથી આ ગામમાં પાણી ઓસર્યા નથી અને બીજી બાજુ તાજેતરમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે આ ત્રણે ગામોની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. ગામની તાલુકા પંચાયત કચેરીઓ દૂધની ડેરીઓ ગામની આંગણવાડીઓ તેમજ ગામની દુકાનનો અને લોકોના ઘરો પણ આ પાણીમાં ગરકાવ થાય છે. જેના કારણે આ ત્રણે ગામના લોકોને જીવન નિર્વાહ કરવામાં ભારે મુશ્કેલીઓ પડી રહે છે.
સ્થળાંતર કરવા મજબુરઃ આ ત્રણેય ગામોમાં છેલ્લા 2015 થી એટલે કે, સાત સાત વર્ષથી હજુ સુધી આજ દિવસ વરસાદી પાણી ઓસર્યા નથી. જેના કારણે આ ત્રણેય ગામોના લોકોને અહીં રહેવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. જનજીવન પર ભારે અસર પડે છે અને લોકોને અહીં રહેવામાં મોટી તકલીફ પડે છે. આ ત્રણેય ગામોના લોકો પોતાના ઘર અને જમીનો છોડીને ટેકરાવાળા વિસ્તાર કે સુરક્ષિત જગ્યાએ રહેવા માટે મજબૂર બન્યા છે.
વર્ષો જૂની સમસ્યાઃ આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અમે આ ગામમાં વર્ષોથી રહીએ છીએ. પરંતુ છેલ્લા 2015 થી ગામમાં પાણી ભરાઇ રહે છે. અધૂરામાં પૂરું હાલ તાજેતરમાં જે વરસાદ પડ્યો છે. જેના કારણે ગામમાં ડેરી તાલુકા પંચાયત અમારા ઘરો દુકાનો બધું જ પાણીમાં ગર્ભાવ છે. એટલે અમારે રહેવું તો રહેવું કઈ રીતે એટલે અમે તંત્રને અનેક વાર રજૂઆતો કરવી છે. હજુ સુધી અમારા આ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી. તેથી અમે સુરક્ષિત જગ્યાએ હિજરત કરવા મજબૂર બન્યા છીએ.