બનાસકાંઠા : કચ્છ બાદ સૌથી વધુ ગૌશાળા અને પાંજરાપોળ ધરાવતો જિલ્લો એ બનાસકાંઠા છે. જેમાં બનાસકાંઠાના પશુપાલન નિયામકે જિલ્લાની ગૌશાળાના સંચાલકો પાસેથી પંજાબના ચોખાનું ઘાસ મંગાવાની વિગતો મંગાવી છે અને સરકાર આ ઘાસની ખરીદી કરી અને ગૌશાળા સંચાલકોને રાહત દરે આપશે તેવો પત્ર પણ કર્યો છે. જોકે પશુપાલન નિયામકના આ પત્રથી ગૌશાળા સંચાલકોમાં રોષ વ્યાપ્યો છે કારણ કે પંજાબના ચોખાનું જે ઘાસ પંજાબના પશુઓ નથી ખાતા અને પંજાબના ખેડૂતો આ ઘાસને બાળી નાખે છે તે ઘાસ સરકાર ગૌશાળાની ગાયોને ખવડાવવા માંગે છે જેને લઈને ગૌશાળા સંચાલકોમાં રોષ છે.
સ્થાનિક ખેડૂતો પાસેથી ખરીદો : અગાઉ પંજાબના ચોખાનું ઘાસ મંગાવાયું હતું અને ગાયનો ખવડાવવા આવ્યું પણ હતું. પરંતુ આ ઘાસ ખાતા ગાયો બીમાર પડી હતી અને ત્યારબાદ આ ઘાસને પરત મોકલવામાં આવ્યું હતું. જોકે ગૌશાળાના સંચાલકોની માગણી છે કે પંજાબથી ઘાસ મંગાવવા કરતાં અહીંના સ્થાનિક ખેડૂતો પાસેથી ખરીદી થાય તો ગુજરાત પંજાબનું ટ્રાન્સપોર્ટેશન પણ બચી શકે અને ઘાસ પણ સારું મળી શકે અને જો સરકાર ઘાસના આપે અને પશુ દીઠ 30 રૂપિયાની સહાયમાં વધારો કરે તો ગૌશાળાના સંચાલકોને સારું ઘાસ મળી રહે.
પ્રતિ પશુએ 30 રૂપિયા રોજની સહાય : આ બાબતે ગૌશાળાના સંચાલક જગદીશભાઈ પઢિયારે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પહેલા સરકારે 500 કરોડની જાહેરાત કરી હતી જેમાં સરકારે 500 કરોડની જાહેરાત ન ચૂકવતા ફેર ફેર જગ્યાએ સમગ્ર ગુજરાતમાં આંદોલનો થયા હતા અને આંદોલનના બાદ સરકાર દ્વારા પ્રતિ પશુએ 30 રૂપિયા રોજની સહાય આપવામાં આવતી હતી.
ફરી પાછું સરકારે એક નવો વિચાર કર્યો છે જેમાં અમારી પાસે એક સરકારના અધિકારી આવ્યા હતાં અને તેમને અમને કહ્યું હતું કે તમને 30 રૂપિયાની જગ્યાએ પંજાબમાંથી આવતું ચોખાનું પરા ઘાસ આપવામાં આવે તો તમારું શું માનવું છે. ત્યારે અમે કહ્યું હતું કે આ યોગ્ય નથી. કારણ કે જે પશુઓને જે વિસ્તારને ઘાસ ચારો ખાતા હોય તેના સિવાય અન્ય વિસ્તારના સૂકા ઘાસચારા ખાતા નથી. સરકારે જે આ નિર્ણય કરવા જઈ રહી છે તે તદ્દન ખોટો છે. પહેલા પણ જે ચોખાના પરાળ આપવામાં આવી હતી જેમાં ગાયો બીમાર પડી હતી. જેના કારણે ગૌશાળા સંચાલકો દ્વારા 450 જેટલી ગાડીઓ રદ કરવામાં આવી હતી. ત્યારે સરકાર જે આ ચોખાના પરાળ એટલે કે ઘાસ આપવાનો નિર્ણય કરી રહી છે તેમાં અમે સહમત નથી. જો સરકાર અમારું કહેવું નહીં માને અને પોતાની મનમાની ચલાવશે તો અમે ફરી આંદોલન કરીશું...જગદીશ પઢિયાર ( ગૌશાળા સંચાલક )
અધિકારીનો ખુલાસો : આ બાબતે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જિલ્લા પશુપાલન અધિકારીએ જણાવ્યું હતું કે કોઈપણ ગૌશાળા કે પાંજરાપોળના સંચાલકોએ આ ચોખાનું આવે છે તે લેવું એ કમ્પ્લસરી એટલે કે ફરજિયાત નથી. એ મરજિયાત છે જેને લેવું હોય તે મંગાવી શકે છે તેઓ સરકારનો પરિપત્ર છે.