ડીસા : ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. રક્ષાબંધન તહેવારની ઉજવણીના ભાગરૂપે બહેનો બજારોમાં મોટી સંખ્યામાં અલગ અલગ ડિઝાઇનવાળી રાખડીઓની ખરીદી કરતા જોવા મળી રહી છે. રક્ષાબંધનના પર્વ દિવસે ભાઈઓની રક્ષા માટે બહેનો ભાઈની કલાઈ પર રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરતી હોય છે. ત્યારે ડીસાની આદર્શ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ જેલમાં બંધ કેદીજીવન જીવતાં આરોપીઓને રાખડી બાંધવા પહોંચી હતી.
ડીસા સબ જેલમાં આનંદ છવાયો : વિદ્યાર્થિનીઓએ ડીસા સબ જેલના કેદીઓને રાખડી બાંધતાં ભાવસભર દ્રશ્યો જોવા મળ્યાં હતાં. બહેનો દ્વારા ભાઈના કાંડે રાખવી બાંધતી વખતે તેમના દીર્ઘાયુષની કામના કરી ભાઈ સુખસંપત્તિ પામે તેવી પ્રાર્થના બહેનો કરતી હોય છે. ત્યારે વિદ્યાર્થિનીઓએ કેદી ભાઈઓ જલદીથી જેલમાંથી મુક્ત થઇ પરિવાર સાથે જીવન વીતાવે તેવી શુભકામનાઓ વિદ્યાર્થિની બહેનોએ કરી હતી. તેમણે જેલના તમામ કાચા કામના કેદીઓને કુમકુમ તિલક કરી આરતી ઉતારી રાખડી બાંધી હતી.જેલમાં આ દ્રશ્યોને લઇને ઘડીભર આનંદ છવાઇ ગયો હતો.
આમ તો દરેક લોકો પોતાના પરિવાર સાથે ઘરે રક્ષાબંધન ઉજવતા હોય છે. પરંતુ જે લોકો કોઈપણ ગુનામાં જેલની અંદર સજા કાપતા હોય છે તેમને રાખડી કોણ બાંધે અને તેમની સાથે હળી મળીને કોણ તહેવાર પણ ઉજવે. જેથી અમને તેમની ચિંતા થઈ અને અમે આજે ડીસામાં આવેલી સબજેલમાં સજા કાપતા આરોપીઓને અમે તેમની બહેન તરીકે આજે એમને અમે રાખડીઓ બાંધી છે અને મોં મીઠુ કરાવ્યું છે. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એ લોકો જે પણ ગુનામાં સજા કાપે છે જેમાંથી તે જલ્દી જલ્દી મુક્ત થાય અને ફરીવાર જીવનમાં આવી કોઈ ભૂલ ન કરે અને તેમને આવી સજા ના થાય તેવી ભગવાનને પ્રાર્થના પણ કરી છે....ધનુ ગોસ્વામી ( વિદ્યાર્થિની, આદર્શ હાઇસ્કૂલ )
ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવા શપથ લેવડાવ્યાં : ડીસા સબજેલમાં અલગ અલગ ગુનામાં સંડોવાયેલા કાચા કામના કેદીઓને ડીસાની આદર્શ સ્કૂલની વિદ્યાર્થિનીઓએ રાખડી બાંધી અને તેમના દીર્ધાયુ જીવન માટે મંગલ કામનાઓ કરી હતી. તેમજ કેદીઓને પણ શપથ લેવડાવી હતી કે તેઓ વ્યસનથી દૂર રહેશે અને સારા સંસ્કારો કેળવી ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેશે.આ કેદીઓ જેલની ચાર દિવાલો વચ્ચે બહેનોના આ માનવીય અને સન્માન આપતા અભિગમથી ગદગદ થયા હતાં .તેઓ હરખથી ભાઇબહેન ના પવિત્ર તહેવાર રક્ષાબંધનમાં રાખડી બંધાવી આનંદિત બન્યા હતાં.
Vadodara Central Jail : જેલના સળિયા પાછળ કેદી સજા કાપવાની સાથે કેવા કામ કરે છે?
કેદીઓને પગભર થવા તક મળે તે માટે સુરતની લાજપોર જેલમાં શરૂ કરાયું Bhajiya House